૧૦૦થી વધુ લોક ડાયરા કરી ચુકેલા સુરેશ ભરવાડના “ભાઇ ના રોલા પડે“, “દયા ઠાકરની“, “જાઓ ગેડીયા રૂડા ધામ“, “ઠાકરનું ઠેકાણું“, “મોજીલો માલધારી” સહિતના હિટ આલ્બમો યુવા વર્ગમાં બન્યાં લોકપ્રિય મેહુલ બળદેવ ભરવાડ
નાની ઉમરે લોકચાહના મેળવનાર માલધારી સમાજના ગાયક કલાકાર સુરેશ ભરવાડએ એક આગવી ઓળખ ઉભી કરી છે. પોતાના સૂરીલા કંઠે ગરબા-ભજન, લોકગીત અને લોકસાહિત્ય રજૂ કરી ગુજરાતના જાણીતા કલાકારોમાં પણ મોભાનું સ્થાન મેળવી શ્રોતાઓના દિલ જીતી લીધા છે. એવા કલાકાર સુરેશ ભરવાડએ સૂરના તાલે હળવદના કાર્યક્રમમાં સંગીતપ્રેમીઓને ડોલાવ્યા હતાં.
લોકગીતની દુનિયામાં સંગીતની કોઈપણ તાલીમ લીધા વિના ગુજરાતી આલ્બમ “ભાઇ ના રોલા પડે”ની સફળતા મેળવનાર સુરેશ ભરવાડ આજે જાણીતા કલાકારોમાં વિશેષ નામના ધરાવે છે. માલધારી સમાજના કલાકાર સુરેશ ભરવાડનો જન્મ વિરમગામ તાલુકાના ડુમાણા ગામમાં થયો હતો. તેમના પિતા પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. માત્ર ૧૮ વર્ષની વયે તેમને લોકગીત ગાવાનું શરૂ કર્યું, આમ તો નાનપણથી જ ગીત-સંગીત પ્રત્યે લગાવ હતો. પરંતુ સ્ટેજ પર લોકગીત ગાવાનું પ્રથમવાર ધ્રાંગધ્રા તાલુકાના થરા ગામમાં નસીબ
થયું. આ દરમિયાન સુરેશ ભરવાડે કલાકારીમાં સારી એવી લોકચાહના મેળવી.
જેમ દરેક વ્યક્તિના સોનેરી દિવસો આવતા હોય તેમ લોકગીતના કલાકાર સુરેશ ભરવાડે પણ અમદાવાદ, કચ્છ સહિત ઝાલાવાડના હળવદ અને ધ્રાંગધ્રા તાલુકામાં પણ ભજનો, હિન્દી ગીત સહિત લોકગીતોમાં ટૂંકાગાળામાં પ્રશંસા પ્રાપ્ત કરી છે. ૨૨ વર્ષિય સુરેશ ભરવાડે અબતક દૈનિક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી સફળતાનો શ્રેય મારા મિત્રો છે તેમજ માલધારી સમાજે મને જે સહકાર આપ્યો છે જેનો હું ઋણી છું.
આ તકે કલાકાર સુરેશ ભરવાડએ હળવદના દોરાળા પરિવારના શુભ લગ્ન પ્રસંગે હાજરી આપી સૂરના તાલે સંગીત રસીયાઓને લોકહૈયે ડોલાવ્યા હતા.
કોઇપણ ગીતને સંગીતના તાલે સુરેશ ભરવાડ લોકગીત તેમજ ભજન સુરીલા કંઠે ગાવામાં હુન્નર ધરાવે છે ઉપરાંત આલ્બમના એકિટંગમાં પણ સુરેશ ભરવાડ સારી એવી કલાકારી નિભાવી જાણે છે. માલધારી સમાજના ગાયક કલાકાર સુરેશ ભરવાડએ અત્યાર સુધી ૧૦૦થી વધુ સ્ટેજના કાર્યક્રમો કર્યા છે. તેમજ “ભાઇ ના રોલા પડે”, “દયા ઠાકરની”, “જાઓ ગેડીયા રૂડા ધામ”, “ઠાકરનું ઠેકાણું”, “મોજીલો માલધારી” સહિતના હિટ આલ્બમોથી ગુજરાતમાં લોકગીતોમાં ધમાલ મચાવી છે. તદ્ઉપરાંત “ગમ કી યાઁદે”, “દિલ કી દુઆ” જેવા હિન્દી ગીતો પણ ગાયા છે અને હજૂ ચારથી પાંચ આલ્બમો ટૂંક સમયમાં રિલીઝ થવાના છે તેવું તેમણે ઉમેર્યું હતું.
આમ તો સુરેશ ભરવાડએ સુપ્રસિદ્ધ ગીતા રબારી, રાકેશ બારોટ, હકાભા ગઢવી સહિતના કલાકારો સાથે કાર્યક્રમો આપ્યા છે પરંતુ ખાસ લ્હાવો કહી શકાય તેમ ગિડીયા ગામના લોક ડાયરામાં જીજ્ઞેશ કવિરાજ સાથે સુરેશ ભરવાડનો અદ્ભુત કાર્યક્રમ રહ્યો હતો. તે ક્ષણની વાત કરતાં સુરેશ ભરવાડે જણાવ્યું કે, આ લોક ડાયરામાં જીજ્ઞેશ કવિરાજના ગીત પર લોકોએ જે “વન્સ મોર”થી ઉત્સુકતા બતાવી એ મારા માટે પ્રેરણાદાયક ક્ષણ બની ગયો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com