90ના દાયકા સુધી શહેરમાં લાલબસ તરીકે ઓળખાતી સીટી બસ બંધ થયા પછી ચાલુ જ નથી.સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં 1970થી વઢવાણથી જોરાવરનગર, જંકશન, દાળમીલ રોડ, રતનપર સહિતના વિસ્તારમાં એસટી તંત્ર દ્વારા સિટી બસ દોડાવવામાં આવતી હતી. જેને લોકો લાલ બસ તરીકે ઓળખતા હતા. શહેરના તમામ રૂટ ઉપર આ બસ દોડતી હતી. અને રૂ.2 થી લઇને રૂ.5 સુધીનુ ભાડુ હતુ.
લોકો માટે આ સિટી બસ ખુબ જ ઉપયોગી હતી. પરંતુ સિટી બસની સેવામાં ખોટ જતી હોવાનું કહીને એસટી તંત્રએ 2002માં સિટી બસો બંધ કરી દીધી હતી. આટલા વર્ષોમાં સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં શહેરમાં સિટી બસ ચાલુ કરવાની માંગ પ્રબળ બની છે.
સુરેન્દ્રનગર અને વઢવાણ બંને વિસ્તારના લોકો ચૂંટણીમાં ભાજપને ખોબલે અને ધોબલે મત આપીને જીતાડતા આવ્યા છે. આ વખતે સંયુકત પાલિકામાં તો કોંગ્રેસનો સફાયો કરીને ભાજપને ઐતિહાસીક લીડ આપીને સત્તા આપી છે. ત્યારે 4 લાખની જનતાને સિટી બસ સેવા આપવાની આશા પુરી થશે કે નહી તે મોટો સવાલ છે.
આ બાબતે પાલિકા એન્જી. કયવંતસિંહ હેરમાએ જણાવ્યું હતું કે, સીટી બસ અંગેની કાર્યવાહી ચાલુ છે.