જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર: પાંચથી છ ઈંચ વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં સારો અને વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોએ ૨.૨૮ લાખ હેકટર જમીનમાં વાવેતર કરી દીધુ હતુ. પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મૂકાઇ ગયા હતા. જિલ્લામાં જયાં નર્મદાના નીરની સગવડતા છે તેવા તાલુકાઓના ખેડૂતોએ પાકને બચાવવા માટે પાણી પાવાનું શરૂ કરી દીધુ હતુ. પરંતુ સાયલા, ચોટીલા જેવા તાલુકાના ખેડૂતોની સ્થિતિ વધુ ખરાબ હતી. પાકને બચાવવા માટે વરસાદની ખૂબ જરૂર હતી. ત્યારે શુક્રવારની રાતથી શરૂ થયેલા વરસાદે સમગ્ર જિલ્લાને તરબોળ કરી દીધો હતો. જેમાં ખાસ કરીને ચોટીલા, થાન અને મૂળી તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર થઇ ગયુ હતુ. ખેડૂતો માટે કાચા સોના સમાન બની ગયેલા વરસાદથી ખેડૂતોને મોટો ફાયદો થવાની સાથે પાક સારો થવાની આશા બંધાઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા, હળવદ, થાન, લીંબડી, પાટડી, મૂળી, સાયલા, ચોટીલા, લખતર, ચૂડા સહિતના તાલુકાઓમાં પડેલા વરસાદમાં કોઇ જાનહાની કે નુકશાનીની વિગતો બહાર આવી નથી. જેમાં ખાસ કરીને આદલસર-લીલાપુર વચ્ચે રસ્તા પર વૃક્ષ પડી જતા મુસાફરો ભરેલી બસને પરત લાવવી પડી હતી.
સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તાઓ અને સોસાયટી વિસ્તારોમાં આડેધડ ખોદકામને લીધે બીસમાર રસ્તાઓ પર વરસાદી પાણીના ભરાવાને લીધે લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. સુરેન્દ્રનગર શહેરના નવા જંકશન રોડ, રતનપર ખાણ વિસ્તાર, જોરાવરનગર, દાળમીલ રોડ, નવા ૮૦ ફૂટ રોડ, માઇ મંદિર રોડ, હેન્ડલૂમ ચોક, વઢવાણના વિરાટનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણી લોકોના ઘર અને દુકાનોમાં ઘૂસી જત લોકો પરેશાની વેઠી રહ્યા હતા. ઉપરાંત શહેરના અનેક રસ્તાઓ પર ખોદકામને લીધે પાણી ભરાતા ૧૦થી વધુ વ્યકિતઓ ફસડાઇ જવાના બનાવો બન્યા હતા. ઉપરાંત સુરેન્દ્રનગર શહેરમાં ખાનગી શાળાઓએ બપોર બાદ ભારે વરસાદના લીધે રજા જાહેર કરી દીધી હતી. જયારે વઢવાણના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતાં. વઢવાણ ઘરશાળા રોડ પર આવેલા કોઝને પુલ પરથી છકડો નીચે પાણીમાં પડી ગયો હતો. ત્યારે બનાવની જાણ થતા વઢવાણ ફાયર ફાઇટરનાં યુનીસભાઈ અનવરભઈ રાઠોડ, ફારૂકભાઈ મીરઝા, બાબાભાઈ રાઠોડ સહિતની ટીમે ઘટના સ્થળે ધસી ગઇ હતી. જેમાં છકડામાં રહેલા ત્રણ લોકોને સામાન્ય ઇજા સાથે બહાર કાઢવામાં આવ્યા હતાં. સુરેન્દ્રનગરનોધોળીધજા ડેમ વર્તમાન સમયે છલોછલ ભરેલો છે. આવા સમયે ખાસ કરીને મૂળી પંથકમાં થયેલા ભારે વરસાદને કારણે ધોળીધજા ડેમમાં વરસાદી પાણી આવવાના કારણે ડેમ છલકાય તેવી સ્થિતિ સર્જાઇ છે. અને આથી પાલીકા દ્વારા શહેરમાં રિક્ષા ફેરવીને નદીના પટમાં તથા બેઠા પુલ પર રાતના સમયે અવરજવર કરવી તથા સાવચેતી રાખવા પ્રજાને તાકિદ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં જે વરસાદી પાણી ભરાયા છે. તેમાં ખાસ કરીને મુખ્ય રસ્તાઓ પરના પાણી ઓસરી ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં મુશ્કેલી છે. પરંતુ ત્યાં પણ પાણી નિકાલ માટે ૧૫૦ જેટલા લોકો અલગ-અલગ વિસ્તારમાં કામ કરી રહ્યા છે.