એક સ્નેહભીની બેન એક વહાલો મજાનો ભાઇ: રાષ્ટ્રીય એવોર્ડનું ગૌરવ
સુરેન્દ્રનગર જિલ્લાની ૧૪ વર્ષની બાળા ધુડીબેન ખોડાભાઇની અપ્રતીમ હિમ્મત અને બહાદુરી બદલ ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલ્ફેર તરફથી પ્રતિષ્ટઠાભર્યો ‘ભારત એવોર્ડ’ એનાયત કરાતા દેશમાં સૌ પ્રથમ આ એવોર્ડ બાળાને એનાયત કરાયાનું માન સુરેન્દ્રનગર જિલ્લાને મલ્યુ હતું. જે જિલ્લા માટે ગૌસ્વરૂપ છે.
સ્વ. મેઘાણીભાઇએ જૂનાગઢના ગીરના નેસમાં ૧૪ વર્ષની ચારણ ક્ધયાએ લાકડીથી ડણકી સાવજને બહાદુરીથી ભગાડયો હતો તેના ઉપર એક કાવ્ય રચ્યું હતું તે કાવ્યને ચરિતાર્થ કરાવતું શૌર્ય પંચાલની પથરાળ ભૂમિ ઉપર જન્મેલી ૧૪ વર્ષની ક્ધયાએ દાખવ્યું હતું. ધુડીએ દાખવેલી આ બહાદુરી બદલ ભારત સરકાર તરફથી ધુડીને રૂ.૫૦૦૦નું રોકડ ઇનામ તથા એવોર્ડ વડાપ્રધાનશ્રીના હસ્તે ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને નવી દિલ્હી ખાતે અપાયો અને તેની હિંમતને બિરદાવાઇ.
સ્વ. ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની ધરતીનાં રત્નોની વીરતા-બલિદાનની ગાથા જે મુકતમને ગાઇ છે તેમાં સૌરાષ્ટ્રની ધીંગી ધરા અને તેની માટીમાંથી ઘડાયેલા મરજીવા માનવીઓની શૌર્ય પ્રતિતી થયા વિના કોઇને ય ન રહે. પણ જેણે આવી વિરતાનો પ્રત્યક્ષ અનુભવ્યું હોય એવાને કદાચ આવી વિસ્તાની ગાથાઓમાં લેખકની સ્વભાગવત કલ્પના કે અતિશયોકિત લાગે બનવાજોગ છે, પણ આવી જ ઘટના જયારે વર્તમાનમાં પણ જોવા મળે છે ત્યારે એમ જ માનવું રહ્યું કે જાતની પરવા કર્યા વિના મોતના મોમાં ફસાયેલાને બચાવી લેવોએ સાચે જ જાણે આ ધરતીની પરંપરા છે.
તા.૧૪ એપ્રિલ, ૧૯૮૯નો એ દિવસ હતા અને ૧૪ વર્ષની ભરવાડણ ધૂડી પાંચાળ પ્રદેશના સોરભંડા ગામના તળાવની પેલે પારની સીમ (વગડો)માં તેના છ વર્ષના નાના ભાઇ જસરાજ સાથે ગાયો ચરાવવામાં મસ્ત હતી. ત્યાં અચાનક જ કયાંકની નાર (વરૂ જેવું પ્રાણી)દેખા દીધી અને કંઇ પણ સમજાય તે પહેલાં નારે એક ગાયને પોતાનો શિકાર બનાવી. પણ ગાયે તેનો શીંગડાથી પ્રતિકાર કરતાં નરભૂખ્યા અને વધુ ધૂંધવાયેલા નારની નજર પેલા છ વર્ષના ગભરુ નાના બાળ પર પડી અને બીજી જ ક્ષણે વીજળી વેગી ઝડપે તેનું માથું પકડી બાળકને ભોંગભેગો કરી દીધો. ત્રણ ફૂટ ઊંચા અને ચાર ફૂટ લાંબા ભયંકર નારના મુખમાં પોતાના વ્હાલસોયા ભાઇને જોતા જ બહેન ધુડી જાણે પોતાના ભાઇને સાક્ષાત યમરાજના હાથમાં અનુભવ્યો.
પણ આ તો સૌરાષ્ટ્રની ધરતીનું ખમીર હતું અને એમાંય વળી લાગણીના, લોહીના સંબંધોનો વિશિષ્ટ નાતો હતો. મરતાને છોડતો મૂકી જીવ બચાવવાની સ્વાર્થવૃતિને જાણે અહીં કોઇ સ્થાન નહોતું, તો હાય…. હાય…. શું કરશુંને કોણ બચાવે..ની નિસહાયતા વ્યકત કરી દુર્ઘટનાના મૂક સાક્ષી બનાવાની અહીં કોઇ જાણે પરંપરા નહોતી. બસ, મારું ગામે તે થાય, પણ મારા વ્હાલસોયા ભાઇને બચાવવો એવી લોહીના સંબંધોને સાર્થક કરતી વીરતાની એક માત્ર ભાવના જ હતી અને એ ભાવનાના પ્રબળ આવેગે ધુડીને જાણે રણચંડી બનાવી દેતા પળનોય વિલંબ કર્યા વિના હાથવગું સો હથિયાર એવી કડિયાળી ડાંગના વિકરાળ નારના માથા પર ધડાધર મરણતોલ પ્રહારો ધુડીએ કરવા લાગતા નારે જાણે પીછેહઠ કરી જીવ બચાવવા ભાગવું પડ્યું!!
ભરવાડ ક્ધયાના આ અણધાર્યા પ્રહારથી નાર તેના ભાઇના અડધા ફાડી ખાધેલા દેહને છોડીને નાસી છૂટયું. નાર તો નાસી છૂટયું પણ તેના ભાઇનો લોહીલુહાણ દેહ બેભાન થઇને પડ્યો હતો. આ બાળાએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પહેલા તેના ભાઇને તેડી લીધો હતો ત્યારે તેના માથા અને ગળા ફરતું લોહી ધગધગ વહેતું હતું. ધુડીએ તરત જ પોતાની ચૂંદડી કાઢી છ વર્ષના ભાઇના માથે અને ગળે પાટાની જેમ બાંધી દીધી હતી. આ સમય દરમ્યાન આસપાસની વાડીઓમાંથી માણસો દોડી આવ્યા હતા ત્યારે વરૂ તો ભાગી ગયું હતું અને છ વર્ષનું બાળક ધુડીના ખભે હતું.
તેને તાત્કાલિક સુરેન્દ્રનગરની સી.જે. હોસ્૫િટલમાં લાવવામાં આવ્યો હતો અને તાત્કાલિક સારવાર આપી હતી. તેના ૨૦૦ જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા અને તેનો જાન બચી ગયો હતો. આમ ધુડીએ જંગલી જાનવર પર હુમલો કરી તેના ભાઇનો જાન બચાવ્યો હતો.
જયારે આ બાળાની મુલાકાત લેવામાં આવી ત્યારે તેણે જાણાવ્યું હતું કે, હું ભલે મરું, પણ મારા ભાઇનો તો જાન બચાવવો જ રહ્યો એવો મેં સંકલ્પ હતો.