વઢવાણ તાલુકાના અનેક ગામો પાણીની ચાતક ડોળે રાહ જોઇ રહ્યા છે ત્યારે
વઢવાણ-વડોદ સ્ટેટ હાઇવે પર ટીંબા ગામ પાસે ચેક ડેમ ભર ઉનાળે છલકાયો છે. જળ દિવસે જ વઢવાણ તાલુકાના ટીંબા ગામના પાદરમાં આવેલો ચેક ડેમમાં નર્મદાના પાણી ઠાલવાતા છલકાતા આશ્ચર્ય ફેલાયું છે. જ્યારે હજારો લીટર પાણી વેડફાતા લોકોમાં રોષ ફેલાયો હતો.આમ ઉનાળામાં પાણી માટે એક તરફ રઝળપાટ છે બીજી તરફ નર્મદાના નીર ઉનાળાથી તરસ્યા લોકોને મળે તેવી માંગ ઉઠી છે. વઢવાણ તાલુકાના 10થી વધુ ગામો નર્મદાના નીર માટે રાહ જોઇ રહ્યા છે. ઉનાળાના પ્રારંભે જ અનેક વિસ્તારોમાં પાણીની પારાયણ શરૂ થઇ ગઇ છે.
વઢવાણ વડોદ સ્ટેટ હાઇવે પર ટીંબા કારીયાણી વચ્ચે ચેકડેમ બનાવાયો છે.આ ચેક ડેમમાંથી સિંચાઇનું પાણી માટે 50થી વધુ વીજટ્રાન્સફોર્મર ઉભા કરાયા છે. નર્મદાના નીર વગર વરસાદે છલકાતા કોઝવે પાસે પાણી વહી રહ્યુ છે. ભર ઉનાળે હજારો લીટર પાણીનો વેડફાટ થતા અનેક તર્ક વિતર્ક ફેલાયા છે. આ અંગે રાજૂભાઇ, ઘનશ્યામભાઇ સહિતનાઓએ જણાવ્યુ કે આ વડોદ સ્ટેટ હાઇવે પર અમો પસાર થઇએ છીએ આ ચેકડેમમાં હજારો લીટર પાણી વહી રહ્યુ છે. ખેડુતો સુધી પહોંચવાને બદલે વેડફાટ થઇ રહ્યો છે. આથી આ અંગે નર્મદા વિભાગ કે જવાબદાર તંત્ર તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે.