ઢાંકી પમ્પિંગ સ્ટેશન બનાવ્યા બાદ સુરેન્દ્રનગર સૌરાષ્ટ્ર અને કચ્છનું પાણિયારૂં બની ગયું છે. દૂધરેજ પાસે બનાવવામાં આવેલા 33 પમ્પિંગ સ્ટેશનથી રાજકોટને પાણી પહોચાડવામાં આવે છે. પરંતુ બુધવારે પમ્પિંગ સ્ટેશનમાં વધુ પડતું ક્લોરીનેશન થવાને કારણે પાણીમાં રહેલા માછલાનાં મોત થયા હતા.
લખતર તાલુકાના ઢાંકી ગામ પાસે એશિયાનું સૌથી મોટુ પમ્પિંગ સ્ટેશન બનાવીને એન્જિનિયરિંગની કમાલથી નેવાના પાણી મોભે ચડાવવા જેવી સિદ્ધિ મેળવી છે. દૂધરેજ પાસે અલગ અલગ સંપ બનાવીને છેક સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી નર્મદાના નીર પહોચાડવામાં આવી રહ્યા છે. જેમાં 33 નંબરના પમ્પિંગ સ્ટેશમાંથી રાજકોટને દરરોજ 350 એમએલડી પાણી પહોચાડવામાં આવી રહ્યું છે. આ 33 નંબરના પમ્પિંગ સ્ટેશનમાં બુધવારે અચાનક માછલાના મોત થવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
પ્રાથમિક તપાસ કરતા એવી વિગતો બહાર આવી હતી કે પાણીમાં ક્લોરીનનું પ્રમાણ વધારી દેવામાં આવતા આ માછલાના મોત થયા હતા. આવુ વધુ પડતું ક્લોરીનવાળું પાણી રાજકોટને વિતરણ કરાયું હોય આ પાણીનો પીવામાં ઉપયોગ કરનાર લોકોના આરોગ્ય માથે ખતરો ઉભો થયો છે. પરંત એવું પણ કહેવામાં આવે છે કે આ પાણી લીક થઇને દૂધરેજના તળાવમાં પણ જાય છે.
જેમાંથી ગામના અનેક પશુ પણ પાણી પીવે છે. જેથી કરીને પશુ અને દૂધરેજના લોકો માથે પણ જોખમ વધ્યું છે. બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે આ પમ્પિંગ સ્ટેશનમાં ખેડૂતો પાકને પાણી પાવા માટે લે છે અને પોતાની મોલાતને બચાવી રહ્યા છે. ત્યારે ખેડૂતો આ પાણી ન લે અને તેમ છતાં જો ક્લોરીનવાળું પાણી પાકને પાવામાં આવે તો પાક અને જમીન બંનેને નુકસાન થાય આ માટે ક્લોરીનનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું છે. જેને લઇને ખેડૂતોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.