સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ટ્રાફીકજામની સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની ચુકી છે ત્યારે અવાર-નવાર ટ્રાફીકજામના કારણે વાહનચાલકોને હાલાકી પડી રહી છે ત્યારે શહેરના એક મેઈન રોડ પર ટ્રાફીક વિભાગનું નડતરરૂપ બાઈક સાઈડમાં લેવા બાબતે પોલીસ કર્મચારીઓ અને એક જાગૃત નાગરિક વચ્ચે રકઝકનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે વાયરલ વિડીયોમાં જણાઈ આવ્યાં મુજબ શહેરના મુખ્ય રસ્તા પર ટ્રાફીક પોલીસ વિભાગનું એક સરકારી બાઈક રસ્તા પર નડતર રૂપ હોય તેમ પાર્ક કરેલું જણાઈ આવતાં એક જાગૃત નાગરિકે તેનો વિડીયો ઉતાર્યો હતો જેમાં જાગૃત નાગરિક દ્વારા પોલીસનું બાઈક રસ્તા પર હોય તેનો મેમો બનાવવા જણાવતાં ફરજ પરનાં બંન્ને પોલીસ કર્મચારીઓ જાગૃત નાગરિક સાથે ગેરવર્તન કરતાં નજરે પડે છે અને રકઝક બાદ બંન્ને પોલીસ કર્મચારીઓ બાઈક ચાલુ કરી જાહેર રસ્તા પરથી ચાલતી પકડતાં વાયરલ વિડીયોમાં જણાઈ આવ્યાં હતાં.
જ્યારે લોકમુખે થતી ચર્ચા મુજબ વાયરલ વિડીયો શહેરના જવાહર રોડ પરનો હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા વાહનચાલકો અથવા સામાન્ય પ્રજાના વાહનો જાહેર રસ્તા પર પાર્ક કરેલ હોય અથવા જરા પણ નડતરરૂપ ન હોય બળજબરીપૂર્વક કડક કાર્યવાહી કરી મોટી રકમનો મેમો ફટકારવામાં આવે છે ત્યારે પોલીસ કર્મચારીઓનું જ સરકારી બાઈક નડતરરૂપ અને જાહેર રસ્તા પર પાર્ક કર્યું હોવા છતાં સાઈડમાં લેવાને બદલે જાગૃત નાગરિક સાથે રકઝક કરી દાદાગીરી કરતાં જણાઈ આવ્યાં હતાં ત્યારે આ વિડીયો વાયરલ થયા બાદ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.