- સુરેન્દ્રનગર ભાજપ દ્વારા નવા સંગઠનની 10 ડિસેમ્બર પહેલા રચના કરાશે
- જ્ઞાતિના સમીકરણ પરિપકવ, સક્રિય કાર્યકર, યુવાનની ખોજ શરૂ કરાઇ
ભારતીય જનતા પાર્ટી સંગઠન 2024 અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના નવા મંડળ પ્રમુખની સહરચના કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. જેના માટે જે તે મંડળમાં રહેતા ઈચ્છુક કાર્યકર્તાએ તે મંડળના પ્રમુખપદની દાવેદારી શરતોને આધિન રહી ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી સંગઠન બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ભાજપ દ્વારા ગુજરાતમાં નવા સંગઠનની રચના માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર ચૂંટણી ઇન્ચાર્જ ડોલર કોટેચા દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તે માટે નવા સંગઠનની રચનામાં પ્રમુખ બનવા માટે દાવેદારો માટે શરતો અને નિયમ દ્વારા ફોર્મ ભરીને દાવેદારી નોંધાવવા માટે તારીખ જાહેર કરવામાં આવી છે. તેમજ પ્રમુખ માટે નિયમો બનાવામાં આવ્યા હતા. જેમાં 18 વર્ષથી 40 વર્ષની ઉંમર સુધીના કાર્યકર્તાઓ ઉમેદવારી ફોર્મ ભરી શકશે.
આ દરમિયાન વર્તમાન સક્રિય સભ્ય હોવા જોઈએ. તેમજ અગાઉ પણ ઓછામાં ઓછી એક વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઇએ. સતત 2 ટર્મથી મંડળ પ્રમુખ રહેલા કાર્યકર્તાઓ દાવેદારી ફોર્મ ભરી શકશે નહીં. આ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ તેમના પરિવારમાંથી ફોર્મ ભરી શકશે નહીં. ફોર્મ મેળવવા, ભરવા માટે 7 ડિસેમ્બરે વઢવાણ વિધાનસભા સવારે 10થી 12, પાટડી વિધાનસભા બપોરે 1.30થી 3.30, ધ્રાંગધ્રા વિધાનસભા સાંજે 4થી 6 વાગ્યા સુધી ભરી શકાશે. જ્યારે 8 ડિસેમ્બરે ચોટીલા વિધાનસભા સવારે 10થી 12, લીંબડી વિધાનસભા બપોરે 1.30થી 3.30 વાગ્યા સુધી ભરાશે. ત્યારે ફોર્મ માટે સુરેન્દ્રનગર કમલમ્ કાર્યલય રાખવામાં આવ્યું છે. તેમજ જિલ્લામાં નવા મંડળ માટેની પ્રક્રિયા તા. 10 ડિસેમ્બર પહેલા પૂરી થશે. ત્યારબાદ મંડળની રચના કરાશે. આમ નવા મંડળની રચનાને લઈને કાર્યકરોમાં દોડધામ જોવા મળી રહી છે.
અહેવાલ : ધનશ્યામ ભટ્ટી