સુરેન્દ્રનગરમાં રિવરચફ્રન્ટનું મુખ્યમંત્રીએ કર્યું ઇ લોકાર્પણ: રૂ.૫૦ કરોડથી વધુ વિકાસ કામોની ભેટ જનતાને અર્પણ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરેન્દ્રનગર- દુધરેજ વઢવાણ નગરપાલિકા વિસ્તારની જનતા માટે રૂ. ૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂર્હુત પ્રસંગે શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર જ્યાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે આગળ વધીને લોકોને પાણી, રસ્તા, વિજળી, આવાસ, ગટર સહિતની શ્રેષ્ઠ સુવિધાઓ શહેર તેમજ ગ્રામ્ય સ્તરે ઉપલબ્ધ કરાવી રહી છે. અમારી સરકાર ગુજરાતની જનતાના સપનાઓ, અપેક્ષાઓને સાકાર કરવા માટે કામ કરી રહી છે. સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકા જાહેર થવાથી વિકાસની નવી ક્ષિતીજો સર કરીને સૌરાષ્ટ્રના મોટા શહેરોમાં સુરેન્દ્રનગરનો સમાવેશ થશે. કોરોના મહામારી વચ્ચે પણ છેલ્લા ચાર મહિનામાં રાજ્યમાં રૂ. ૧૦,૫૦૦ કરોડથી વધુના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ, ઈ-ખાત મૂર્હુત કરાયું છે. કોરોના જેવી મહામારી વચ્ચે પણ ડર્યા વિના સાવચેતીથી આગળ વધીને વિકાસના કામો તેમજ ધંધા-રોજગાર ચાલું રાખવાના છે.
સુરેન્દ્રનગર કપાસ ઉત્પાદનમાં ભારતમાં મોખરાનુ સ્થાન ધરાવે છે. કપાસ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર સુરેન્દ્રનગરને શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ કરાવીને વિશ્વના નકશા ઉપર આગવું સ્થાન અપાવવા રાજ્ય સરકાર કટ્ટીબધ્ધ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી આજે સુરેન્દ્રનગરના દુધરેજ-વઢવાણ નગરપાલિકાના રૂ. ૩૮.૦૪ કરોડના વિકાસ કામોના ઈ-લોકાર્પણ તેમજ રૂ. ૧૨.૫૬ કરોડના વિવિધ વિકાસ કામોના ઈ- ખાત મૂર્હુત કરાયા હતા. જ્યારે રૂ. ૨૯ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૪૮૦ આવાસોનો મુખ્યમંત્રી દ્વારા કોમ્પ્યુટરાઈઝ ઈ-ડ્રો કરાયો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ઈ-લોકાર્પણ કરીને સુરેન્દ્રનગરની જનતાને રિવર ફ્રન્ટની ભેટ આપી હતી.
મુખ્યમંત્રીએ સુરેન્દ્રનગરમાં ૪૮૦ આવાસોનો કોમ્પ્યુટરાઈઝ ઈ-ડ્રો કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે તમામ માટે પોતાનું ઘરનું ઘર હોવું જોઈએ. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા આ વર્ષે સાત લાખ સુવિધાયુક્ત સસ્તા આવાસો તૈયાર કરવાના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં અંદાજે ચાર લાખ આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે જ્યારે બાકીના આવાસો પણ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરવાના લક્ષ્યાંક સાથે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. કોંગ્રેસે ભૂતકાળમાં ઘરનું ઘર અપાવવા માટે ફોર્મ છપાવીને લોકો સાથે બનાવટ કરી હતી. જ્યારે જે કહેવું તે કરવું ના મંત્ર સાથે કામ કરતી અમારી સરકારે લોકોને સુવિધાયુક્ત સસ્તા આવાસો આપીને વચન પુરું કર્યુ છે. અમે દરેક યોજનાઓ મુર્તિમંત કરીએ છીંએ. જેનું ખાત મૂર્હુત કરીએ છીએ તેનું લોકાર્પણ અમે જ કરીએ છીએ આ અભિમાન નહી પણ યોગ્ય વ્યવસ્થા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ થયો છે ત્યારે અતિવૃષ્ટિના કારણે જ્યાં નુકશાન થયું છે તેવા વિસ્તારના ખેડૂતોને સહાય પેટે રૂ. ૩૭૦૦ કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે જેમાં સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના તમામ ગામોના ખેડૂતોને સહાય મળશે. આ વર્ષે સારો વરસાદ થયો છે ત્યારે ગુજરાતના ખેડૂતો શિયાળુ અને ઉનાળુ સીઝનમાં મબલખ ઉત્પાદન કરીને નવો રેકોર્ડ બનાવે તેવો મુખ્યમંત્રીએ ખેડૂતોને અનુરોધ પણ કર્યો હતો.