ડીવાયએસપી એચ.પી. દોશીની કુનેહથી લીંબડી નજીકથી નામચીન છ શખ્સોને ઝડપી લીધા
સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ પર આવેલી દ્વારકાધીશ હોટલના સંચાલકને દર માસે ખંડણી વસુલવાના મામલે રાજસ્થાની વેપારીને માર મારી અને લુંટ ચલાવવાના બનાવનો પોલીસ ભેદ ઉકેલી છ શખ્સોની ધરપકડ કરી કાયદાના પાઠ ભણાવ્યા છે.
વધુ વિગત મુજબ ઝાલાવડમાં વધતા જતા આર્થિક ગુનાઓને અટકાવવા અને વણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા એસ.પી. હરેશ દુધાતે આપેલી સુચનાને પગલે ડીવાયએસપી એચ.પી. દોશીના માર્ગદર્શન હેઠળ જોરવરનગર પોલીસ મથકના પી.એસ.આઇ. આર.જે. જાડેજા સહીતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.
રતનપર બાયપાસ રોડ પર આવેલી દ્વારકાધીશ હોટલમાં ઘાડ પાડી લુંટ ચલાવનાર શખ્સો અમદાવાદ- રાજકોટ ધોરી માર્ગ પર આવેલા ફુલગામના બોર્ડ પાસે હોવાની મળેલી બાતમીના આધારે ત્રાટકીને યુવરાજ હરપાલસિંહ ડોડીયા, રામદેવસિંહ સુરપાલસિંહ વાઘેલા, પ્રાંત મીતેશ શેઠ, અલ્તાફ ઉમરખાન સંધી, હિમાંશુ છગનપરમાર અને ધર્મેશ દિનેશ સતાપરાની ધરપકડ કરી હતી.
ઝડપાયેલા શખ્સોની પુછપરછમાં હોટલ ભાડે રાખી ચલાવતા રાજસ્થાની વેપારીને હોટલ ચલાવી હોય તો દર માસે રૂ. 3પ હજાર આપવા પડશે જે રકમ આપવાના ના પાડતા માર મારી રૂ. 18 હજારની લુંટ ચલાવ્યાની કબુલાત આપી હતી. ઝડપાયેલા સામે વઢવાણ, જોરાવરનગર સીટી બી ડીવીઝન અને પોલીસ મથકના ચોપડે ચડી ચુકયા છે.