આજના આધુનિક સમયમા દીકરો અને દીકરી એક સમાન જ માનવામાં આવે છે. અત્યારે દીકરીઓ પણ દીકરાની જેમ બધા જ કામ કરી શકે છે. ત્યારે આજે આપણે એક ખેડૂત પુત્રીની સફળતાની કહાની જાણીશું. હાલમાં જ એક ખેડૂત પુત્રીએ સમગ્ર ગુજરાતમાં પરિવારનું નામ રોશન કર્યું છે. અથાગ પરિશ્રમ થકી દીકરી પીઆઈની પરીક્ષા પાસ કરીને અનોખી સિદ્ધિ મેળવી લીધી છે.
વિરમગામના ડુમાણા ગામની ખેડૂતની દિકરીએ આ સિધ્ધી હાંસલ કરી છે. ખેડૂત પુત્રીએ માત્ર 23 વર્ષની ઉંમરે પોલીસ ઈન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી લીધી. જ્યારે પુત્રી પીઆઈની પરીક્ષામાં પાસ થતા પરિવારમા ખુશીની લહેર જોવા મળી હતી. અને ગામમાં પણ લોકો વખાણ કરતાં હતા.
દેવ્યાનીબા બારડ આખા ગુજરાતમાં મહિલાઓમાં પ્રથમ નંબર મેળવીને ઈતિહાસ રચ્યો હતો. ખેડૂત પુત્રી દેવ્યાનીબા બારડ ધોરણ 10માં સમગ્ર તાલુકામાં પ્રથમ નંબરે રહ્યા હતા. ત્યાર બાદ તેમણે ધોરણ- 12મા 88 % બાદમા બીકોમ સાથે અમદાવાદથી સ્નાતકની પદવી મેળવી હતી. આ દરમિયાન બી.કોમ.ના અભ્યાસ દરમિયાન જ દેવ્યાનીબાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાની શરૂ કરી હતી, અને ગ્રેજ્યુએટ થયા બાદ જુનિયર કારકુનની પરીક્ષામા સફળતા મેળવીને અમદાવાદ જિલ્લા પંચાયતમા જુનિયર કારકુન તરીકે ફરજ બજાવવાની શરૂઆત કરી હતી.
અથાગ પરિશ્રમ થકી ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની પોલીસ ઈન્સ્પેક્ટરની પરીક્ષા મહિલા શ્રેણીમાં ગુજરાતમાં પ્રથમ નંબરે પાસ કરી એક ઈતિહાસ રચ્યો હતો. દેવ્યાનીબા બારડની આ સફળતા બદલ સમગ્ર વિસ્તાર તથા ખાસ કરીને નાડોદા રાજપૂત સમાજ લાગણીઓની શુભેચ્છા સાથે ગૌરંવિત થઈ રહ્યો છે.