વનવગડાની વેલા પ્રકારની વનસ્પતિ જીવંતિનું કરાતુ વિતરણ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ખોબા જેવડા નવાગામ (બાવળિયા)ના વતની અને હાલ કચ્છ ખાતે શિક્ષક તરીકે કાર્યરત નવયુવાન દ્વારા આજથી આઠ વર્ષ અગાઉ શરૂ કરાયેલા ડોડી બાબતનું અનોખું જાગૃતિ અભિયાન રંગ લાવી રહ્યું છે. વર્તમાન સમયમાં મોબાઇલ અને લેપટોપ જેવાં ઉપકરણોના ઉપયોગને લીધે બાળકોને મોટા પ્રમાણમાં આંખમાં નંબરનાં ચશ્માંની સમસ્યા બાબતે શિક્ષક ભરતભાઈ મકવાણાએ વન-વગડાની સાવ સામાન્ય ગણાતી વેલા પ્રકારની વનસ્પતિ જીવંતી / ડોડીને ઘર ઘર પહોંચાડવાનો અનોખો સંકલ્પ કર્યો હતો.
લગ્ન બાદ તેમનાં પત્ની અને વ્યવસાયે શિક્ષકા જાગૃતિબેને પણ તેમના અભિયાનને સાથે રહી સંપૂર્ણ સહયોગ આપ્યો અને તેમને ડોડી માટેનું આયોજનબદ્ધ અભિયાન શરૂ કર્યું. વેકેશનના સમયગાળામાં પણ શિક્ષક દંપતી સીમ અને જંગલમાંથી ડોડી સાથે વિવિધ વનસ્પતિઓનાં બીજ એકઠાં કરીને જે-તે શાળાઓમાં તેમજ કચેરીઓમાં કુરિયર કે રૂબરૂ પહોંચાડતું હતું.
આ મિશનના પ્રણેતા શિક્ષક એવા ભરતભાઈ મકવાણા કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકાના બેરાજા સી.આર.સી કો.ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેમનાં પત્ની જાગૃતિબેન ભાવનગર જિલ્લાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભૂગોળ વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. એમાંય ભાવનગરથી કચ્છ વચ્ચેનું અંતર-450 કિ.મી.છે છતાં આ દંપતીએ અત્યારસુધીમાં ગુજરાતની 5,000થી વધુ શાળા અને કોલેજો સુધી આ મિશનની સુવાસ પહોંચાડી છે. આ યુવાન શિક્ષક દંપતી વેકેશનમાં ફરવા જવાના બદલે આ અનોખા મિશન પાછળ જ સમય વિતાવે છે. એમાં શિક્ષકા જાગૃતિબેન વિવિધ શાળા, કોલેજોનો સંપર્ક કરી એમનાં સરનામાં મગાવવાની સાથે જે-તે શાળા, કોલેજો સાથે કો-ઓર્ડિનેટ કરે છે. જ્યારે શિક્ષક ભરતભાઈ કુરિયર અને પ્રવાસ સહિતનાં કામ કરે છે. બંને શિક્ષક દંપતીએ આઝાદીના 75 વર્ષ નિમિત્તે 75 દિવસની એકસાથે રજા મૂકીને આ અનોખો અભિયાનની સુવાસ ગુજરાતભરની શાળા, કોલેજોમાં પહોંચાડી છે.