સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર, વઢવાણ તથા જોરાવરનગર શહેરી વિસ્તારમાં પોલીસ દ્વારા સીસીટીવી મોનીટરીંગ કરી જે લોકો ટ્રાફીકના નિયમોનો ભંગ કરે છે તેવા લોકોને ઈ-મેમા ઈશ્યુ કરવામાં આવી રહેલા છે. આ ઈ-મેમા પોસ્ટમેન દ્વારા વાહન માલિકના સરનામા ઉપર મોકલવામાં આવે છે. ટ્રાફીકનાં નિયમનો ભંગ કરનારને મળેલા ઈ-મેમાનો દંડ ૩૦ દિવસમાં ભરવાની જોગવાઈ કરવામાં આવેલ છે. મોટાભાગના વાહન ચાલકો દ્વારા ઈ-મેમાનો દંડ ૩૦ દિવસમાં ભરવામાં આવી રહેલો છે પરંતુ અમુક વાહન ચાલકો તેઓને મળેલા ઈ-મેમાના દંડ ભરવા અંગે ગંભીરતા દાખવતા નથી. તેમજ અમુક વાહન ચાલકો એકથી વધુ વખત ટ્રાફીકના નિયમ ભંગ કરતા તેઓની ઈ-મેમા મળવા છતાં કોઈ ગંભીરતા લેતા નથી.
જે લોકો ટ્રાફીકના નિયમ ભંગ કરી ઈ-મેમાનો દંડ ૩૦ દિવસમાં ભરતા નથી તેવો વિરુઘ્ધ કડક કાર્યવાહી જેમાં ઈ-મેમો ન ભરનારના ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરવાની કાર્યવાહી તેમજ જે લોકો વારંવાર ટ્રાફીકના નિયમનો ભંગ કરે છે તેવા લોકોના વાહન ડીટેઈન કરવાની કાર્યવાહી થઈ શકે છે. જેથી તમામ વાહન ચાલકોને ટ્રાફીકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવે છે અને જે લોકોને ટ્રાફીકના નિયમ ભંગ બદલ ઈ-મેમા મળેલ છે તેવા ઈ-મેમાનો દંડ તાત્કાલિક ભરવા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા જણાવવામાં આવે છે. જે લોકોને ટ્રાફીક નિયમ ભંગ બદલ ઈ-મેમો મળે છે તે લોકો ઈ-મેમાનો દંડ (૧) પોલીસ અધિક્ષકની કચેરી ખાતે નેત્રમ ઓફિસ પર અથવા લીંબડી પોલીસ સ્ટેશન, લીંબડી અથવા ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન, ધ્રાંગધ્રા ખાતે ભરી શકાશે અથવા ઘરે બેઠા ઓનલાઈન ઈ-મેમો ભરવા માટે https://echallanpayment.gujrat.gov.in/ વેબસાઈટ પર વાહન નંબર દાખલ કરી ઈ-મેમો ભરી શકાશે.