છેલ્લા ત્રણ વર્ષની કાળઝાળ ઉનાળામાં મુસાફરોને પાણી વેચાતુ લઇ પીવા મજબુર કરાય છે
સુરેન્દ્રનગર જિલ્લામાં એસટીની સુવિધા માટે સૌથી મોટો સુરેન્દ્રનગર શહેરમાં એસટી ડેપો આવેલો છે. બીજી તરફ આ જે જુનો ડેપો હતો તે પાડી દઇને તે સ્થળે નવો બનાવવામાં આવી રહ્યો છે. જેને લઇને હંગામી બસ સ્ટેશન ઉભી કરીને મુસાફરો માટે અંદાજે 5થી 7 વર્ષથી વ્યવસ્થા કરાઇ છે. બ પરંતુ આ બસ સ્ટેશનમાં અનેક અસુવિધાઓને લઇને મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યા છે. કારણ કે સુરેન્દ્રનગર એસટી ડેપોમાં દરરોજ અંદાજે 3000થી વધુ મુસાફર આવી રહ્યા છે. ત્યારે આ બસ સ્ટેશનમાં એક સિનટેક્સની પાણીની ટાંકી મૂકીને પાણીની પરબ મુસાફરો માટે શરૂ કરવામાં આવી હતી.
પરંતુ છેલ્લી 3 ઉનાળાની સિઝનથી આ પરબમાંથી પાણી ન મળતી હોવાની રાવ ઉઠી હતી. આ અંગે લક્ષ્મણભાઈ મકવાણા, નિખિલભાઈ પરમાર, રાધાબેન વાળા, મણીબેન વાઘેલા વગેરે જણાવ્યુ કે, આ બસ સ્ટેશનની પરબ પાણી પીવા આવી ત્યારે કોઇ જ વ્યવસ્થા નથી. પાણીના નળ પણ બંધ છે પાણીની ટાંકીમાં પાણી નથી. અને પરબમાં જ્યાં પાણી ભરવાની જગ્યા છે ત્યાં પાણીના પાઉચ સહિતના કચરા સાથેની ગંદકીથી દૂષિત બની છે.
પાણી ન હોવાના કારણે બાળકો, વૃદ્ધોને પૈસા ખર્ચીને પાણી પીવડાવવાનો વારો આવે છે. હાલ ઉનાળાના તાપથી લોકોને તરસ લાગવાથી પાણીની અતિ જરૂરિયાત રહે છે. આથી એસટીના જવાબદાર તંત્ર દ્વારા આ પરબની ભાળ લઇને લોકોને પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી લાગણી અને માગણી છે.