થાન ખાતે 25,000થી વધુ શ્રમિકો સિરામિક ઉદ્યોગ દ્વારા  ગુજરાન ચલાવે છે

સુરેન્દ્રનગર જીલ્લાના થાનનો સિરામિક ઉદ્યોગ મોખરાનું સ્થાન ધરાવે છે. અહી બનતી અલગ અલગ સેનીટરી સહિતની આઈટમો વિદેશ સુધી નિકાસ કરવામાં આવે છે. પરંતુ સિરામિક ઉદ્યોગમાં વપરાતા PNG ગેસના ભાવમાં વખતોવખત થતા ભાવ વધારાના કારણે હાલ થાનના સિરામિક ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકામાં અંદાજે 300 જેટલા નાના અને મોટા સિરામિક ઉદ્યોગ આવેલ છે, જ્યાં વર્ષોથી અનેક શ્રમિકો કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તો બીજી તરફ, થાન સિરામિક ઉદ્યોગમાં બનતી સિરામિક, સેનેટરી સહિતની આઈટમોની ડિમાન્ડ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ બહારના રાજ્યો અને વિદેશમાં પણ હોય છે, માટે અહીંથી સેનેટરીની આઈટમ ત્યાં નિકાસ કરવામાં આવે છે. સિરામિક ઉદ્યોગમાં આઈટમોના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન PNG ગેસનો ઉપયોગ થાય છે.

પરંતુ સરકાર તેમજ ગેસ કંપનીઓ દ્વારા અવાર નવાર PNG ગેસના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવે છે. જેના કારણે ઉત્પાદન ખર્ચ વધતો રહે છે, જ્યારે સામે સિરામિક આઈટમોનો ભાવ ઉદ્યોગકારો મોંઘવારીને કારણે વધારી નથી શકતા પરિણામે હાલ સિરામિક ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે, ત્યારે ઉદ્યોગકારો દ્વારા સરકાર પાસે સહાયની માંગ કરવામાં આવી છે.થાન ખાતે આવેલ અંદાજે 300થી વધુ સિરામિક ઉદ્યોગમાં અંદાજે 25 હજારથી વધુ શ્રમિકો કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, અને મોટા ભાગે સિરામિક ઉદ્યોગ પર નિર્ભર રહે છે, ત્યારે તાજેતરમાં થોડા દિવસો પહેલા જ ગેસ કંપનીઓ દ્વારા સિરામિક ઉદ્યોગમાં વપરાતા PNG ગેસમાં પ્રતિ યુનિટ રૂપિયા 2નો વધારો ઝીંકવામાં આવે છે.

છેલ્લા 6 મહિનામાં PNG ગેસમાં અંદાજે 20 રૂપિયા જેટલો વધારો થયો છે, જેની સીધી અસર સિરામિક ઉદ્યોગ પર પડી છે. વારંવાર થતા PNG ગેસના ભાવ વધારાના કારણે સિરામિક ઉદ્યોગકારો પર કરોડો રૂપિયાનું ભારણ વઘ્યું છે. દરેક સિરામિક એકમોમાં લાખોની કિંમતનો તૈયાર માલ પડ્યો છે. પરંતુ ભાવ વધારાના કારણે વેચાણ થતું નથી, જેના ભાગરૂપે હાલ થાન તાલુકામાં માત્ર 30% જ સિરામિક ઉદ્યોગો ટકી રહે તેમ છે, જ્યારે બાકીના ઉદ્યોગ સંપૂર્ણપણે મૃતપાય હાલતમાં આવી ગયા છે. સરકાર દ્વારા જો PNG ગેસના ભાવમાં ઘટાડો તેમજ સ્પેશિયલ સહાય  પેકેજ જાહેર કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં સિરામિક ઉદ્યોગ પણ નામશેષ થઈ જશે તેવું સિરામિક ઉદ્યોગકારોએ જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.