શહેરના રતનપર સહિતના વિસ્તારને જોડતો સરદારસિંહ રાણા પુલ જર્જરિત બની ચુક્યો છે. સુરેન્દ્રનગરમાં આ બ્રીજનું નિર્માણ કામ 2003ના વર્ષમાં કરવામાં આવ્યું હતું. આ પુલને તે સમયે શહિદ સરદાર સિંહ રાણાનું નામ આપવામાં આવ્યું હતું. આજે આ પુલ બન્યાને 23 વર્ષ થઈ ગયા અને હાલ જાળવણીના અભાવે આ પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે.
સરદાર સિંહ રાણા પુલ ઉપર રતનપર વિસ્તાર તરફથી 3 ફૂટ જેટલો છુટ્ટો પડી ગયો છે. ત્યારે તંત્ર પણ આ મામલે ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે આ પુલ છુટ્ટો પડી ગયા હોવા છતાં પણ હાલમાં મોટા ડમ્પર જેવા વાહનો આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે ત્યારે નઘરોળ તંત્ર જાગશે?
હજુ સુધી આ પુલ બંધ કરવામાં આવ્યો નથી. સરદારસિંહ રાણા પુલ જર્જરિત બન્યો છે અને પુલનો જ્યાં સાંધો આવેલો છે ત્યાં 3 ફૂટ જેટલું મોટું ગાબડું પડ્યું છે. પુલની નીચેથી ભોગાવો નદી પસાર થઈ રહી છે. તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. પુલ પર ગાબડું પડ્યું છતાં પણ પુલ પરથી જીવના જોખમે મોટા વાહનો પસાર થઇ રહ્યા છે. સ્થાનિક લોકોએ કલેક્ટર અને અધિકારીઓને આ મામલે ટકોર કરી છે.