કોરોનાની વૈશ્વિક મહામારીમાંથી ઉગરવા ડોક્ટરો-વૈજ્ઞાનિકો તેમજ તમામ દેશની સરકારો સતત પ્રયાસમાં જુટાઈ છે પરંતુ કોરોનાની બીજી લહેર શરૂ થતા વાયરસે વધુ વરવું સ્વરૂપ ધારણ કર્યું છે. જેની સામે વધુ સાવચેતી અને વધુ ચુસ્તપણે નિયમોનું પાલન કરવું અનિવાર્ય બન્યું છે. લોકોને પાસે કોરોના પ્રોટોકોલનું કડકપણે પાલન કરાવવા તંત્ર પણ ઉધેમાથે થયું છે. લોકો માસ્ક પહેરે, સોશયલ ડિસ્ટનસ જાળવે તેમજ હાલ રાત્રી કરફર્યુ દરમિયાન બહાર ન નીકળે તે માટે સતત અપીલ કરાઈ રહી છે ત્યારે લોકોને નિયમોનું પાલન કરાવવા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. સુરેન્દ્રનગર શહેરમાં રોડ રસ્તા પર પોલીસ દ્વારા સુવાક્યો ચીતરવામાં આવ્યા છે.
લોકોમાં જાગૃતિ આવે અને ગાઈડલાઈનું પાલન કરે તે માટે ચાલુ રોડ પર સ્ટે હોમ, સેવ લાઈફ… સાવધાની હટી અને કોરોનાની ગતિ વધી… ઘરે રહો સુરક્ષિત રહો, કોરોનાથી બચો… સાથે મળી કોરોના સામે લડીએ… જેવા સ્લોગન સાથે કોરોના વાયરસ અને માસ્કના ચિત્ર દોરવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગરના DySP હિમાંશુ દોશીની ટિમ દ્વારા આ અનોખો પ્રયોગ કરાયો છે. લોકોનો કોરોના પ્રત્યેનો ભય દૂર કરવા અને વૈશ્વિક મહામારી સામેની લડાઈને વધુ મજબૂતાઈ આપી વાયરસને નાથવા આ પ્રકારે રોડ પર ચિત્રો વર્ણવાયા છે.
કોરોના વાયરસનું ચિત્ર જોતા બિહામણું લાગે પરંતુ આ જ ડર દૂર કરવા પોલીસ દ્વારા અનોખો પ્રયોગ કરાયો છે. જેને સમગ્ર ઉત્તર સૌરાષ્ટ્રમાં લાગુ કરવા રેન્જ વડા સંદીપસિંહે તત્પરતા દાખવી છે.
તેમજ રાજકોટ, દ્વારકા સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આ પ્રકારે જનજાગૃતિ સંદેશ આપવા ચિત્રો આલેખાશે તેમ જણાવ્યું છે.