સુરેન્દ્રનગરમાં બનેલા હનીટ્રેપના બનાવના મુખ્ય આરોપી અનિરૂધ્ધસિંહ સામે વધુ એક ફરિયાદ દાખલ થઇ છે. એક વેપારીને મિત્ર બનીને અનિરૂધ્ધસિંહનો સાગરીત મહિલા પાસે લઇ ગયો હતો. જયાં હીડન કેમેરાથી વીડિયો ઉતારી 3 લાખનો તોડ કર્યો હતો. પોલીસે આ બન્ને શખ્સોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
હનીટ્રેપ કેસમાં અનિરૂધ્ધસિંહ સહિત 3 શખ્સો સામે વધુ એક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. અંદાજે 3 વર્ષ પહેલા સુરેન્દ્રનગરની જીઆઇડીસીમાં રાજકોટથી આવેલી કોલગર્લનો સહારો લઇને વેપારીને ફસાવ્યા હતા. સુરેન્દ્રનગર જીઆઇડીસીમાં ચમારજના સુખદેવભાઇ માવજીભાઇ કુણપરા પોતાના પરીચીત વેપારીને લઇને સબુડી નામની મહિલા પાસે ગયો હતો. જયાં હીડન કેમેરાથી સમગ્ર ઘટનાનો વીડીયો ઉતારી લેવાયો હતો.
જેમાં સુંવાળા સબંધો બાંધીને નીકળ્યા પછી બીજા દિવસે અનિરૂધ્ધસિંહે ફરિયાદીને ફોન કરીને વીડીયો હોવાનું કહી રૂપિયા 20 લાખની માંગણી કરી હતી. ફરિયાદી પોતે હનીટ્રેપમાં આવી ગયાની જાણ થતા તુરંત સુખદેવભાઇ પાસે ગયો હતો. પરંતુ તેણે કોઇ યોગ્ય જવાબ ન આપતા અને રૂપિયા 20 લાખ દેવાની શકિત ન હોવાથી ફરિયાદીએ એક સમયે જિંદગીનો અંત આણવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ પરિવારજનોએ અનેક રકઝક બાદ જે તે સમયે 3 લાખ અનિરૂધ્ધસિંહને આપીને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે સુખદેવભાઇ અને સબુડીને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઇ એન.બી.ડોડીયા ચલાવી રહ્યા છે. બીજી તરફ અનિરૂધ્ધસિંહ,અશોક રામી અને હીના બાવાજીના રીમાન્ડ સોમવારે સાંજે પુરા થતા કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં કોર્ટે ત્રણેયને જેલ હવાલે કરવાનો હૂકમ કર્યો હતો.