નર્મદા વિભાગની વલ્લભીપૂર શાખા નહેરનું પાણી બંધ થાય તો કામ આગળ વધી શકે: ડી.કે. રાઠોડ
કડુ ગામ નજીકથી પસાર થતી નર્મદાની વલ્લભીપુર શાખા નહેર ઉપર બંધાનાર પુલનું કામ હજુ સુધી ચાલુ થયું નથી
રાજ્ય સરકાર દ્વારા પ્રજાનાં કામો અને સુવિધામાં વધારો થાય તેવા કામો શરૂ કરાય છે. પરંતુ લખતરના ફોરલેન રસ્તાનું કામ પુર્ણ ન થતા હજારો મુસાફરોને હાલાકી સામનો કરવો પડી રહ્યો છે. લખતરથી સુરેન્દ્રનગર જિલ્લાની હદનાં વિઠ્ઠલાપરા સુધી ફોરલેન રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
ત્યારે લગભગ પહેલા તબક્કાનું કામ પૂર્ણતાનાં આરે છે. અને બીજા તબક્કાનું કામ પણ શરૂ કરી દેવામાં આવેલા છે. પરંતુ આ કામમાં લખતર તાલુકાનાં કડુ ગામ નજીકથી પસાર થતી નર્મદાની વલ્લભીપુર શાખા નહેર ઉપર બંધાનાર પુલનું કામ હજુ સુધી ચાલુ થયું નથી. જેના કારણે મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
આ અંગે રાજ્ય સરકારનાં બાંધકામ વિભાગના સુરેન્દ્રનગર સ્થિત કચેરીના અધિકારી કે.ડી.રાઠોડે જણાવ્યું કે આ કામ પર આવતી નર્મદા વિભાગની વલ્લભીપુર શાખા નહેરમાં પાણી બંધ કરાતું ન હોવાથી તે પુલનું કામ શરૂ નથી. પાણી થોડા સમય માટે બંધ કરાય તો જ કામ આગળ વધી શકે છે.
આ અંગે નર્મદા વિભાગની વલ્લભીપુર શાખા કેનાલના લીંબડી સ્થિત કચેરીનાં કાર્યપાલક ઈજનેર કે.પી.ટીલવાએ જણાવ્યું કે આ અંગે સુરેન્દ્રનગર રોડ અને મકાન વિભાગની કચેરી દ્વારા આ કેનાલમાં બે મહિના સુધી પાણી બંધ રાખવા પત્ર દ્વારા જણાવેલ છે. પરંતુ કેનાલ ક્લોઝ કરવાની સત્તા અમારી પાસે ન હોવાથી અમોએ ગાંધીનગર સ્થિત કચેરીને લખી મંજૂરી અર્થે મોકલી આપેલ છે.