પ્રેમીએ જ યુવતીની હત્યા કર્યાનો પરિવારજનોનો આક્ષેપ ! મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે ખસેડાયો
અબતક, રાજકોટ
સુરેન્દ્રનગરમાં મૈત્રી કરાર કરી પ્રેમી સાથે રહેતી સર્ગભાનું રહસ્યમય રીતે મોત નીપજ્યુ છે. બનાવની જાણ પોલીસને થતા પોલીસે સગર્ભાના પરિવારજનોને જાણ કરી હતી. તેના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે તેના પ્રેમીએ જ તેની હત્યા કરી છે. જેથી તેના મૃતદેહને ફોરેન્સીક પી.એમ. અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ અમદાવાદના કલોલની અને હાલ સુરેન્દ્રનગર રહેતી આરતી જગદીશભાઇ રાવલ (ઉ.વ.24)એ મૃત હાલતમાં ગઇકાલે તેના ઘરેથી મળી આવતા બનાવની જાણ પોલીસને થતા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગે મૃતકના પરિવારને જાણ થતાં તેઓ હોસ્પિટલે દોડી ગયા હતા. જ્યાં પોલીસે પરિવારની પૂછતાછ કરતા જણાવાયુ હતું કે તેની પુત્રીએ છ મહિના પહેલા સાહિલ સુરેશ રાવલ (ઉ.વ.19) સાથે મૈત્રી કરાર કર્યો હતો અને તેઓ સાથે રહેતા હતા અને તેઓ સુરેન્દ્રનગર રહી કામ કરતા હતા. જેથી તેના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે સાહીલ રાવલે જ તેની પુત્રીની હત્યા નીપજાવી છે. જેથી પોલીસે તેના મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. આરતીને ત્રણ માસનો ગર્ભ હતો જેથી પોલીસે તેના પરિવારજનોનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.