સુરેન્દ્રનગર નગરપાલિકામાં રવિવારે પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે વિપીનભાઈ ટોલીયા, ઉપપ્રમુખ તરીકે જીજ્ઞાબેન પંડયા ચૂંટાઇ આવ્યા હતાં. કારોબારી ચેરમેન તરીકે અશોકસિંહ પરમાર (બકાલાલ)ની નિમણૂંક કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર સુધરાઈમાં કોણ પ્રમુખ અને ઉપપ્રમુખ બનશે તેની અટકળો વચ્ચે અનેક ચર્ચાઓ વહેતી થઇ હતી. પરંતુ પાલિકામાં ચૂંટણી અધિકારી નરેન્દ્રસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભાજપ તરફે પ્રમુખ માટે વિપીનભાઈ ટોલીયા, ઉપપ્રમુખ માટે જીજ્ઞાબેન પંડયાએ ઉમેદવારી કરી હતી. સામે પક્ષે કોગ્રેસમાં પ્રમુખ માટે શાંતુબેન લક્ષ્મણભાઈ પરમાર તથા ઉપપ્રમુખ માટે છેલાભાઈ ભરવાડે ઉમેદવારી કરી હતી. નિયમ અનુસાર ચૂંટણી અધિકારીએ મતદાન કરાવ્યુ હતું. જેમાં ભાજપનાં ૨૭ અને એક એન.સી.પી.એમ કુલ ૩૦ મત મળતા પ્રમુખ તરકે વિપીનભાઈ ટોલીયા અને ઉપપ્રમુખ તરીકે જીજ્ઞાબેન પંડયાને વિજેતા જાહેર કરાયા હતાં. કોગ્રેસનાં ઉમેદવાર શાંતુબેન પરમાર અને છેલાભાઇ ભરવાડને ૧૩ મત મળ્યા હતાં. બાદમાં ભાજપ દ્વારા કારોબારી ચેરમેને તરીકે અશોકસિંહ પરમાર (બકાલાલ)ની જાહેરાત કરી દેવામાં આવી હતી. ભાજપમાં પ્રમુખની રેસમાં ઘણા ઉમેદવારો હતા. પોતાનું પત્તુ કપાતા ખાસ કરીને વોર્ડ નં. ૩માંથી ચૂંટાઇ આવેલા ડો.સિધ્ધેશ વોરા ખૂબ નારાજ થયા હતાં. અને ચૂંટણી પ્રક્રિયા છોડીને જતા રહ્યા હતાં. તેવી જ રીતે વોર્ડ નં. ૭ માંથી ચૂંટાઇ આવેલા ભાસ્કરભાઈ દવે પણ નારાજ થયા હતાં. અા બે સભ્યોને બાદ કરતા ભાજપનાં તમામ સભ્યોએ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની વરણીને વધાવી હતી. પ્રમુખ-ઉપપ્રમુખની વરણીનો મામલો હાઇકોર્ટમાં હોઇ આગામી ૫ માર્ચના રોજ રાખેલા હિયરીંગમાં હાઇકોર્ટ જે આદેશ આપે તે મુજબ આગળની કાર્યવાહી થશે.