- 80 ફુટ રોડ અને બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં અંદાજે 10થી વધુ પાકા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું
સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકામાંથી સરકાર દ્વારા મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે ત્યારે નવનિયુક્ત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગેરકાયદેસર અને નડતરરૂપ દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને વર્ષો બાદ પાકા દબાણો તોડી પાડવામાં આવતા પ્રજાજનોએ પણ આ કામગીરીને બિરદાવી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ મુખ્ય માર્ગો પર ગેરકાયદેસર કાચા તેમજ પાકા દબાણોના કારણે ટ્રાફીક જામની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી તેમજ અગાઉ પણ તંત્ર દ્વારા દબાણો દુર કરાયા બાદ ફરી પરિસ્થિતિ તેમને તેમ યથાવત થઈ જતી હતી ત્યારે સંયુક્ત પાલિકામાંથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર થતા જ નવનિયુક્ત અધિકારીઓની ટીમ દ્વારા શહેરી વિસ્તારોની સફાઈ તેમજ દબાણ બાબતે મુલાકાત લઈ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં 80 ફુટ રોડ, રીવરફ્રન્ટ રોડ, મેઈન રોડ, એન.ટી.એમ.હાઈસ્કૂલ આસપાસ તેમજ ટાગોર બાગ પાછળના વિસ્તારમાં મુલાકાત અને નિરિક્ષણ કરાયું હતું. અને ત્યારબાદ 80 ફુટ રોડ પર આવેલ કાચું મંદિર તેમજ ઘાસચારાનું વેચાણ કરતા ચાર થી પાંચ વરંડાઓ અને બસ સ્ટેન્ડ પાસે મેઈન રોડ પર ગંદા પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ પાકી કુંડીઓ સહિતના ગેરકાયદેસર અને નડતરરૂપ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરી દરમ્યાન મહનગરપાલિકાના ડેપ્યુટી કમીશ્નર અર્જુનસિંહ ચાવડા, એસ.કે.કટારા, કલ્પેશભાઈ ચૌહાણ, કે.જી.હેરમા, કેતનભાઈ શાહ સહિતની ટીમ અને કર્મચારીઓ જોડાયા હતા.