ચાર લિફ્ટ સુવિધા 2.02 કરોડના ખર્ચે કરાય સજ્જ

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર નવનિર્મિત ચાર પેસેન્જર લિફ્ટની સુવિધાનું લોકાર્પણ કેન્દ્રીય રાજ્યમંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાના હસ્તે સુરેન્દ્રનગર સ્ટેશન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલકુમાર જૈને કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાનું સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય રાજ્ય મંત્રીના હસ્તે પ્લેટફોર્મ નંબર 1 પર એક લિફ્ટ, પ્લેટફોર્મ નંબર 2/3 પર બે લિફ્ટ અને પ્લેટફોર્મ નંબર 5 પર એક લિફ્ટ સહિત કુલ 4 નવનિર્મિત લિફ્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લિફ્ટમાં એક સમયે 20 વ્યક્તિઓની ક્ષમતા છે.

ઉપરોક્ત ચાર લિફ્ટ બનાવવાનો કુલ ખર્ચ 2.02 કરોડ રૂપિયા છે. આ પ્રસંગે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ અને આયુષ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર સ્ટેશન પર આ 4 લિફ્ટની સુવિધાથી મુસાફરો ખાસ કરીને દિવ્યાંગજનો, વૃદ્ધો, મહિલાઓ અને બીમાર મુસાફરોને આ લિફ્ટની સુવિધા ખૂબ ઉપયોગી સાબિત થશે. પ્લેટફોર્મ નં. 1 થી પ્લેટફોર્મ નંબર 2, 3 અને 5 સુધી પર આવવા અને જવા માટે મુસાફરોને ખૂબ જ સરળતા રહેશે.

ડીઆરએમ જૈને તેમના વક્તવ્યમાં કેન્દ્રીય રાજ્યમંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા દ્વારા રેલ સુવિધા વધારવા માટે કરવામાં આવતા સતત પ્રયાસોની પ્રશંસા કરી હતી. અંતમાં, રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અભિનવ જેફે કેન્દ્રીય રાજ્ય મંત્રીનો કાર્યક્રમમાં તેમની ગૌરવપૂર્ણ હાજરી બદલ આભાર વ્યક્ત કર્યો. કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ જનસંપર્ક નિરીક્ષક વિવેક તિવારીએ કર્યું હતું.

આ કાર્યક્રમમાં વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વિદ્યુત ઈજનેર અર્જુન શ્રોફ, વરિષ્ઠ મંડળ ઈજનેર (સંકલન) ઈન્દ્રજીતસિંહ, મંડળ ઈજનેર (ઈસ્ટ) પલાશ પગરિયા, વિવિધ વિભાગોના વરિષ્ઠ રેલવે અધિકારીઓ, સામાન્ય જનતા અને પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.