મૂળીનાં પુર્વ તાલુકા શિક્ષણ અધિકારી અને જશાપર બીઆરસી કોર્ડિનેટરે થોડા સમય પહેલા કોરોનામાં મોત થયેલા શિક્ષકના ખોટા દસ્તાવેજો ઉભા કરી રૂ. 25 લાખનો લાભ લેવડાવવામાં ગેરરીતી આચરી હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા બન્ને શિક્ષકોને ફરજ પરથી મોકુફ કરાતા સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર મચી છે.

મૂળીના પૂર્વ તાલુકા શિક્ષણ અધિકારી તથા જશાપરના બીઆરસી કોર્ડીનેટરને ફરજ મોકૂફ કરાયા

ગેરરીતિ  આચર્યાનું બહાર આવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો નિર્ણય

શિક્ષકને ગુરૂનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આજ ગુરૂ જો પોતાની મર્યાદા ભુલે તો તેના વિદ્યાર્થીઓ પાસે શું અપેક્ષા રાખી શકાય ? ત્યારે મુળી શિક્ષક સરાફી મંડળીમાં શિક્ષકો દ્વારા ગેરરીતી આચરી લાખો રૂપિયાની ઉચાપત કર્યાની શાહી સુકાઇ નથી. ત્યાં ખોટા દસ્તાવેજો ઉભા કરી રૂ.25 લાખ લેવામાં ગેરરીતી આચરી હોવાનુ ઘટસ્ફોટ થયું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મૂળી તાલુકાનાં વેલાળા (ધ્રા)ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રભાઇ મિસ્ત્રીનું કોરોનામાં અવસાન થતા તેમને મળવાપાત્ર રૂ.25 લાખ સહાય બાબતે મૂળી પુર્વ તાલુકાશિક્ષણ અધિકારી અને વગડીયા શાળાનાં આચાર્ય વિક્રમભાઇ સુથાર તેમજ જશાપર બીઆરસી ભવનનાં કોર્ડીનેટર જીજ્ઞેશભાઇ વ્યાસ દ્વારા દરખાસ્ત કરાઇ હતી. જેમાં ડોક્યુમેન્ટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ચેક કરતા પુરાવાઓ બનાવટી ઉભા કરી કચેરીને ગેરમાર્ગે દોર્યા હોવાનું ધ્યાને આવતા બન્ને શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.