ચોરીના પાંચ બાઈક અને દેશી બંદૂક સાથે રૂપિયા 87000 /- ના મુદામાલ સાથે ઝડપી પાડ્યો
40 થી વધુ લૂંટ અને 17 જેટલા બાઈક ચોરીના ગુન્હાની કબૂલાત કરી
સુરેન્દ્રનગર એલસીબી પોલીસે સવા-છનાની ગેંગના નામે બાઇકચોરી અને રસ્તે પસાર થતા લોકોને આંતરી લૂંટ ચલાવનાર ગેંગનો વોન્ટેડ મુખીયા સવા પોલીસના સાણસામાં આવી ગયો છે. 40થી વધુ લૂંટ, 17થી વધુ બાઇક ચોરીના ગુનાને અંજામ આપનાર આરોપીને તેના વતનમાંથી સુરેન્દ્રનગર એલસીબીએ બંદૂક તથા ચોરેલા ચાર બાઇક સાથે ઝડપી લીધો હતો.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપકકુમાર મેઘાણીની સૂચનાથી એલસીબી પીઆઇ એન.કે.વ્યાસના માર્ગદર્શનથી પીએસઆઇ આર.ડી.ગોહિલે ટીમ સાથે વોન્ટેડ આરોપીને પકડવા ધોસ બોલાવી હતી. દરમિયાન આબાદખાન મલેકને બાતમી મળી હતી કે, બાઇકચોરી, લૂંટ સહિતના ગુનામાં વોન્ટેડ સવજી ઉર્ફે સવલો ગોરધનભાઇ કૂડેચા તેના વતનમાં છૂપાયો છે. આથી એલસીબી ટીમે દરોડો પાડી તેને ઝડપી લીધો હતો. આ ગેંગનો આતંક ખૂબ જ હતો. રસ્તે પસાર થતા લોકોને નિશાન બનાવી લૂંટ ચલાવતા હતા.
પૈસા આવ્યા બાદ ખાવા પીવામાં ઉડાવી દેતા હતા.ગેંગનો એટલો ત્રાસ હતો કે, થોડા વર્ષો પહેલા મોરબી પોલીસ વડાની સૂચનાથી એલસીબીએ આ ગેંગને પકડવા માટે ખાસ ટીમ બનાવી હતી. ત્યારે અલગ અલગ સમયે છનો તથા અન્ય સાગરીતો પકડાઇ ગયા હતા. પરંતુ આ સવો નાસતો ફરતો હતો. નવ વર્ષ પહેલા રાજકોટ અને વાંકાનેરમાં પણ રર બાઇકોની ચોરી કરી હતી.
જે ગુનામાં ત્રણ-ત્રણ વર્ષની સજા થઇ હતી. આરોપીને પકડવામાં એલસીબીના ધમભા વાઘેલા, સરદારસિંહ, વિજયસિંહ, યુવરાજસિંહ, જયરાજસિંહ, અજીતસિંહ તથા મોહસીનભાઇ સહિતનો સ્ટાફ જોડાયો હતો. જયારે સવજી ઉર્ફે સવલો ગોરધનભાઇ કૂડેચા (ગોપાલગઢ, ધ્રાંગધ્રા), કૈલાશ બાબુભાઇ (ખાખરેચી, માળીયા), રાજુભાઇ સીંધાભાઇ (ગોપાલગઢ, ધ્રાંગધ્રા), રાજેશ લાભુભાઇ (ગોપાલગઢ, ધ્રાંગધ્રા), અનીલ દેવકરણભાઇ છનાભાઇ કેશાભાઇ (મંગળપર, હળવદ), 40થી વધુ લૂંટના ગુના આચર્યા, માલણીયાદ કીડી રોડ પર રૂપિયા 70 હજારની લૂંટ, ટીકર અમરાપર રોડ પર રૂપિયા 18 હજારની લૂંટ, ઘણાદ હળવદ રોડ પર રૂપિયા 3600ની લૂંટ, મિયાણી હળવદ રોડ પર રૂપિયા 50 હજારની લૂંટ, ઇંગરોળી મિયાણી રોડ પર રૂપિયા 5200ની લૂંટ, ઇંગરોળી કીડી રોડ પર રૂપિયા 1400ની લૂંટ તેમજ મોરબીમાં 13 બાઈકની,અને હળવદમાંથી 2-2 બાઇક ઉઠાંતરી કરી હતી.