પોરબંદરથી મુંબઇ શિપ લઇ જતી વેળાએ જવાનનું રડારના ચક્કરમાં પગ આવી જતા ગંભીર ઈજા બાદ સારવારમાં મૃત્યું
લખતર તાલુકાનાં લીલાપુર ગામના પટેલ પરિવારનો પુત્ર અને ઈન્ડીયન નેવીમાં ફરજ બજાવતો યુવાન શહીદ થતા લીલાપુર ગામે ગાર્ડ ઓફ ઓનર આપી આંસુભીની આંખે અંતિમ વિદાય આપવામાં આવી હતી.
આ અંગેની વધુ વિગત એવી છે કે લખતર તાલુકાનાં લીલાપુર ગામે હરિકૃષ્ણભાઈ હરજીવનભાઈ થડોદા(પટેલ) પત્નિ ગીતાબેન, પુત્રી મેઘાબેન અને પુત્ર કુલદીપભાઈ સાથે રહે છે. હરિકૃષ્ણભાઈનો પુત્ર કુલદીપભાઈ થડોદા(પટેલ)ચાર વર્ષ પહેલા ૨૦૧૭માં ઈન્ડીયન નેવીમાં ભરતી થયા બાદ છ મહીના ઓડીસા, એક મહીનો મુંબઈ અને એક મહીનો ગોવા ખાતે ટ્રેનીંગ પુર્ણ કરી પોતાનું પહેલુ પોસ્ટીંગ આઈ.એન.એસ બ્રહ્મપુત્ર યુનિટમાં મુંબઈ ખાતે ફરજ બજાવતા હતા.
તા ૨૮-૭-૨૦૨૧ ના રોજ પોરબંદરથી મુંબઈ શીપ લઈને જઈ રહ્યા હતા ત્યારે શીપના એન્જીનમાં રડાર ચાલુ કરવા માટે સીપના અન્ડર ડોરમાં ઉતરતા કોઈ કારણોસર તેમનો પગ લપસી જતા રડારના ચક્કરોમાં પગ આવી જતા બન્ને પગમાં ઈજાઓ થઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત કુલદીપભાઈને સારવાર માટે પોરબંદરથી રાજકોટની એન.એસ.વિરાણી વોકહાર્ટ હોસ્પીટલ ખાતે લઈ જવાયા હતા જયા સારવાર દરમ્યાન મૃત્યુ થતા તેમનો પાર્થિવ દેહ રાજકોટથી પોતાના વતન લીલાપુર ખાતે લાવવામાં આવતા ગ્રામજનો અને પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
શહીદ યુવાનની પોતાના ઘેરથી વિરાંજલી યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા ગામના લોકો, આગેવાનોએ કુલદીપભાઈને ભાવ વિભોર વિદાય આપતા આંખમાં આંસુનો દરીયો ઉમટયો હતો અંતિમ સંસ્કાર પહેલા ઈન્ડીયન નેવીના લેફટન્ટન્ટ કમાન્ડર પ્રતિક અરોડા તેમજ તેમના સ્ટાફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયુ હતુ લખતર પોલીસ દ્વારા પણ ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપવામાં આવી હતી ગ્રામજનો, મિત્રવર્તુળ દ્વારા પણ શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.
કુલદીપભાઈના પાર્થિવદેહને લીલાપુર ગામનાં મુકિતધામમાં લઈ જવાયો હતો, જ્યાં તેમની બહેન મેઘાબેન દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. લખતર તાલુકા ભાજપ પ્રમુખ,જીલ્લા પંચાયત સદસ્ય, ન્યાય સમીતીના ચેરમેન, લીલાપુર ગામના સરપંચ વિગેરે સહીતના રાજકીય આગેવાનો, ગ્રામજનો, યુવાનો,સગાવહાલાઓે, મિત્રવર્તુળ સહીતના લોકોએ શ્રધ્ધાંજલી પાઠવી હતી. ગામની શેરીઓમાંથી નીકળેલ અંતિમ યાત્રા દરમ્યાન વંદેમાતરમ્ ના નારા સાથે કુલદીપભાઈને ભીની આંખે અંતિમ વિદાય આપવામાં આવી હતી