નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને અને એમાંય પાટડી તાલુકાને થયો છે. એમાંય પાટડી તાલુકાના કુલ 89 ગામોમાંથી 87 ગામોમાં નર્મદાના નીર પહોંચી ગયા હોવાના તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે પાટડી તાલુકામાંથી પસાર થતી મુખ્ય કેનાલો સહીત માઇનોર અને ડિસ્ટિબ્યુટરી કેનાલોના કામ ખૂબ જ નબળા અને હલ્કી ગુણવત્તાવાળા હોવાની વ્યાપક બુમરાડો ઉઠવા પામી છે. બીજી બાજુ રણકાંઠામાંથી પસાર થતી કેનાલોનું લાખો ગેલન પાણી રણમાં બેરોકટોક વેડફાય છે એ પણ કડવી અને નારી વાસ્તવિકતા છે.ત્યારે પાટડી તાલુકાની ઓડું કેનાલમાં સરપંચ સહિતના ખેડૂત આગેવાનો દ્વારા માઇનોર કેનાલ સમારકામ કર્યા બાદ જ પાણી છોડવાની રજૂઆત કરી હતી. છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરી આ માઇનોર કેનાલમાં પાણી છોડાતા ઓડું કેનાલમા એકસાથે ત્રણ જગ્યાએ ગાબડાંથી આજુબાજુના ખેતરો સહિત સર્વત્ર જળબંબાકાર થઇ ગયો હતો.
આ કેનાલનું પાણી ખેડૂતોના ખેતરમાં ઊભા મોલમાં ફરી વળતા ખેડૂતોના મોંઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવતા ખેડૂતો રોસે ભરાયા હતા. ત્યારે નર્મદા વિભાગની ઘોર બેદરકારીના કારણે ઓડું સહિતના આજુબાજુના ગામોના ખેડૂતોને દિવાળીના તહેવારો ટાણે જ મોટુ નુકસાન પહોંચ્યું હતું. એમાંય પાટડી તાલુકાના ઓડું અને ચિકાસર ગામના સરપંચ સહીત આ બંને ગામોના ખેડૂતો દ્વારા ગત 15મી ઓક્ટોબરના રોજ આ માઇનોર કેનાલનું કામ રિપેરીંગ કર્યા બાદ જ કેનાલોના પાણી છોડવા પાટડી પ્રાંત કલેકટરને લેખિત રજૂઆતો કરાઈ હતી.