વઢવાણ ૮૦ ફુટ રોડ પર આવેલા અયોધ્યાનગર ચોકમાં ફરીવાર શાકમાર્કેટ શરૂ થતી અટકાવવા રહીશો કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા. અને લેખીત આવેદન પાઠવી વઢવાણ પાલિકા હસ્તકના પ્લોટમાં જ માર્કેટ ચાલુ રાખવા માંગ કરી હતી અને યોગ્ય ન્યાય નહીં મળે તો કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
વઢવાણ ૮૦ ફુટ રોડ પર અયોધ્યાનગર ચોક પાસે શાકમાર્કેટના કારણે સ્થાનિકોને ટ્રાફીક સહીતની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. જે અંગે રજૂઆત કરતા તંત્ર દ્વારા શાકભાજીના વેપારીઓને અન્ય સ્થળે ખસેડતા વેપારીઓએ કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવી ફરી તે જગ્યાએ બેસવાની મંજૂરી આપવા માંગ કરી હતી.
ત્યારે શુક્રવારે અયોધ્યાનગર અને આસપાસની સોસાયટીના રહીશો પણ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા દોડી આવ્યા હતા. અને ભવાનસિંહ ટાંક, સુનિલભાઇ ઉમરાણીયા, સંજયભાઇ પાટડીયા, શૈલેષભાઇ વ્યાસ સહીતનાઓએ રજૂઆત કરતા જણાવ્યું કે શાકમાર્કેટના કારણે ટ્રાફીકની સમસ્યા ખુબ જ રહેતી હતી.