યુવતી પક્ષના પરિવારજનો સમાધાન કરવા ગયા અને પ્રેમી સહિતના શખ્સો છરી વડે તૂટી પડ્યા: પાચની ધરપકડ
સુરેન્દ્રનગરમાં ગઇ કાલે સરાજાહેર એક યુવાનને છરીથી રહેશી નાખ્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં પ્રેમ સબંધ મામલે સમાધાન કરવા ગયેલા યુવતી પક્ષના લોકો પર પ્રેમી સહિત પાચ શખ્સો છરી વડે તૂટી પડ્યા હતા જેમાં પ્રેમિકાના મામાની લોથ ઢળી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ત્વરીત કાર્યવાહી કરી પાચ હત્યારાઓને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગરમાં નુરમહમદ સોસાયટીમાં રહેતા ઈરફાન ચૌહાણની પુત્રી સાથે બસ સ્ટેન્ડ પાસે રહેતા સોયબ સાથે પ્રેમ સબંધ હતો. તે મામલે પ્રેમિકાના પરિવારજનો સમાધાન માટે બસ સ્ટેન્ડ પાસે ગયા ત્યારે પ્રેમી સોયબ સહિતના શખ્સો પ્રેમિકાના મામા શાહિદ શેખ પર છરી વડે તૂટી પડ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલાં યુવાને દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો.
હત્યાની ઘટનાની નોંધ થતા જ નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુ દોશી એલસીબી પીઆઈ વી.વી.ત્રિવેદી સહિતના સ્ટાફે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં પોલીસે પાચ હત્યારાઓને દબોચી ભેદ ઉકેલ્યો હતો. સુરેન્દ્રનગર જીલ્લા પોલીસવડા ગિરીશ પંડ્યાના ચાર્જ સંભાળ્યા બાદ ગણતરીની કલાકોમાં હત્યાની ઘટના ઘટી હતી.