નગરપાલિકામાં પુરતો સ્ટાફ, સાધન સુવિધા છતા શહેરમાં કચરાના ગંજ
સુરેન્દ્રનગરને સુંદર નગર બનાવવા માટે કરોડોનો ખર્ચ થાય છે પણ શહેરમાં કચરાના ઢગલા દેખાય છે.સુરેન્દ્રનગરને સુંદરનગર બનાવવા માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નગરપાલીકા દ્વારા વર્ષે દહાડે 6 થી 7 કરોડ રૂા.નો સ્વચ્છતા પાછળ ખર્ચ કરવામાં આવે છે. 46થી વધુ વાહનો અને 350થી વધુ કર્મચારીઓ છતા શહેરમાં ગંદકી-કચરાના ગંજની જેમની તેમ પરિસ્થિતી જોવા મળતી હોવાથી નગરપાલીકાનો સેનીટેશન વિભાગ નિષ્ક્રીય પુરવાર થઈ રહ્યો હોવાનો ઘાટ સર્જાયો છે ત્યારે સત્વરે સુરેન્દ્રનગર શહેરમાં ગંદકી દૂર કરવા લોક માગ ઉઠવા પામી છે.
સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુકત નગરપાલીકાનાં 14 વોર્ડ વિસ્તારોમાંથી કચરો ઉપાડવા, સ્વચ્છતા જાળવવા નગરપાલીકા દ્વારા વર્ષે દહાડે કરોડો રૂા.નો ખર્ચ કરવામાં આવે છે તેમ છતા અનેક વોર્ડમાં જેમની તેમ પરિસ્થિતી જોવા મળે છે. શહેરનાં અનેક વિસ્તારોમાં દિવસો સુધી ઉકરડાના ઢગલા ઉપાડવામાં આવતા નથી.
સફાઈ કામદારો પુરતી સફાઈ કરતા નથી. અમુક જગ્યાએ તો કયારેય સફાઈ કરવામાં આવતી જ નથી. ભૂગર્ભ ગટરની સફાઈ કરીને કચરો બહાર કાઢી રોડ ઉપર ઠાલવવામાં આવે તો દિવસો સુધી તેને ઉપાડવા કોઈ આવતુ નથી, અને આ કચરો સુકાઈ જાય, ફરી ભૂગર્ભ ગટર અને રસ્તા ઉપર ફરી વળતો હોય છે..! ઘણી જગ્યાએ કચરો લેવા ટ્રેકટર આવે તો અમુક જગ્યાએથી કચરો ઉપાડે અને અમુક જગ્યાએ જેમના તેમ રાખી જતા રહે છે. શહેરનાં કેટલાક ખાનગી કોમન પ્લોટ, ખરાબા, પડતર જગ્યા ઉકરડાના ઢગલા થવાના કે કરવાના કેન્દ્રો બની રહ્યા છે.
શહેરની બહારના રસ્તા જેમ કે, સરકીટ હાઉસ સામે રોડ ઉપર ઠલવાયેલો કચરાનો ઢગલો મોટો ઉકરડો બની ગયો હોવા છતા કોઈ ઉપાડવા આવતુ નથી.. સરકીટ હાઉસમાં ચૂંટાયેલા પ્રતિનીધીઓ-અધિકારીઓની આવન-જાવન છતા આ ઉકરડા કોઈને દેખાતો નથી તે આશ્ચર્યજનક અને આઘાત જનક છે..! આવા રસ્તાઓ ઉપર પણ દિવસો સુધી કચરાના ઢગલા પડેલા રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર નગરપાલીકાનાં 8 ટ્રેકટર, કોન્ટ્રાકટરના 16 ટ્રેકટર તેમજ 30 જેટલા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવાનાં વાહનો મળીને કુલ 46 જેટલા વાહનો સ્વચ્છતા માટે દોડાવવામાં આવે છે.
આ કચરો ડમ્પીંગ સાઈટ સુધી પહોંચાડવા વર્ષે સરેરાશ 2 કરોડ 40 લાખ જેટલો ખર્ચ કરવામાં આવે છે. 297 જેટલા કોન્ટ્રાકટ બેઝ કર્મચારી અને કાયમી કર્મચારી સહીત 350થી વધુ કર્મચારીઓ સફાઈ-સ્વચ્છતા માટે નગરપાલીકા દ્વારા કામ કરી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં કોન્ટ્રાકટબેઝ 297 જેટલા કર્મચારીઓને 4 કરોડ રૂા.થી વધુનો પગાર ચુકવાયો છે. કુલ મળીને સ્વચ્છતા પાછળ વાર્ષિક 6 થી 7 કરોડો રૂા.નો ધુમાડો કરવા છતા પરિસ્થિતી જેમની તેમ જ જોવા મળતી હોય છે..! આટ આટલો ખર્ચ કરવા છતા પરિણામ ” જોવા મળતુ હોવાથી નગરપાલીકાનો સેનીટેશન વિભાગ ” હાથી” પુરવાર થઈ રહ્યો હોવાનું અનુભવાય છે..! આ માટે જવાબદાર કોણ..?
મહેતા માર્કેટમાં શૌચાલય નથી
સુરેન્દ્રનગરની સૌથી મોટી અનાજ-કરીયાણાની હોલસેલ બજાર ગણાતી મહેતા માર્કેટમાં જાહેર યુરીનલની સુવિધા જ નથી. આ માર્કેટમાં આવેલ 250થી વધુ દુકાનોમાં વેપારીઓ, દરરોજ હટાણુ કરવા આવતા 1000થી વધુ ગ્રાહકો, અને 200 થી વધુ શ્રમજીવીઓને યુરીનલ વગર પારાવાર પરેશાની વેઠવી પડે છે, અને (ના છુટકે) જાહેરમાં ગંદકી થાય છે..! વર્ષે લાખો રૂા.નો ટેક્ષ ચુકવતા વેપારીઓ દ્વારા યુરીનલ માટે અવારનવાર રજુઆતો કરવામાં આવી છે છતા કોઈજ આયોજન થતુ નથી..!