પ્રાદેશિક કેન્દ્ર અને નર્સિંગ હોસ્ટેલની બાજુમાં સહિતના સ્થળોએ પાણી ભરાયા
સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં પાણીની લાઈન તેમજ કુંડીઓ લીકેજ હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ત્યાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઇ ગયા હતા. ત્યારે અહીં સારવાર માટે આવતા દર્દીઓએ પાણીના નિકાલ થાય તેવી માગ કરી હતી
સુરેન્દ્રનગર શહેરમાં 400થી ઓપીડી ધરાવતી સરકારી હોસ્પિટલમાં શહેરી તેમજ ગ્રામ્ય પંથકમાં લોકો સારવાર માટે આવે છે. પરંતુ આ હોસ્પિટલમાં તબીબોન અછતના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યાં છે. ત્યારે સોમવારે પડેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. તેમાંય ખાસ કરીને પ્રાદેશિક કેન્દ્રની બાજુમાં તેમજ નર્સિંગ હોસ્ટલની બાજુમાં તો જાણે પાણીના તળાવડા ભર્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વરસાદી પાણી ભરાતા નર્સિંગ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓએ, ક્ષય આરોગ્ય કેન્દ્રના કર્મીઓ, સારવાર માટે આવતા દર્દીઓ અને તેના પરિવારજનો તેમજ હોસ્પિટલના ક્વાટર્સોમાં રહેતા કર્મીઓના પરિવારો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના જમાવડાથી ઠેર ઠેર જગ્યાએ ગંદકી સાથે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.
આ અંગે મહેશભાઈ મકવાણા, રાઘવભાઈ પરમાર વગેરેએ જણાવ્યું કે, ઠેર ઠેર વરસાદીના પાણીના કારણે ખાડાઓમાં પાણી ભરાઇ ગયા છે અને પશુઓ પણ પાણીમાં જોવા મળી રહ્યા છે. વરસાદી અને ગંદા પાણીથી પોરા સાથે મચ્છરો સહિતના જીવજંતુઓ વધતા મુશ્કેલીઓ વેઠવી પડે છે.