ક્રિકેટ ટીમે બેટ-બોલ મુકીને ત્રિકમ-પાવડા ઉપાડયા: પર્યાવરણ જતન માટેના કાર્યની ઠેર-ઠેર સરાહના
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ક્રિકેટ ટીમે સતત ૨૦ દિવસની જહેમતથી ૧૦ હજાર વૃક્ષોનું વાવેતર કર્યું છે. ક્રિકેટ ટીમે બેટ-બોલ મુકી ત્રિકમ-પાવડા ઉપાડીને ઉત્સાહભેર વૃક્ષારોપણની કામગીરી કરી છે. આ સાથે વાવવામાં આવેલા વૃક્ષોનાં જતનની જવાબદારી પણ ઉપાડી છે. પર્યાવરણ જતન માટેના આ સેવાકાર્યની ઠેર-ઠેર સરાહના થઈ છે.
૭૨માં સ્વાતંત્ર્ય પર્વની સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ક્રિકેટ ટીમ દ્વારા આગવી રીતે ઉજવણી કરાઈ હતી. જેમાં ગુજરાત પંચાયત સ્પોર્ટસ કલબના પ્રમુખ અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમના કેપ્ટન મયુરઘ્વજસિંહ ઝાલાની આગેવાની હેઠળ જિલ્લામાં ૧૦ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર વૃક્ષોના પ્રમાણમાં પાછળ છે ત્યારે જીલ્લાને હરીયાળો બનાવવાના પ્રયાસના ભાગરૂપે જીલ્લા વિકાસ અધિકારી ડો.મનીષકુમાર બંસલે ટીમના કેપ્ટન મયુરસિંહ ઝાલાને મહતમ વૃક્ષો ૯૧૯૯૧ સુચન આપી હતી. ક્રિકેટ ટીમના તમામ સભ્યોએ ૨૦ દિવસની સતત મહેનતથી જીલ્લામાં તમામ તાલુકાઓમાં થઈને ૧૦ હજાર વૃક્ષો વાવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાના પાટડી તાલુકાના વણોદ ખાતે જીલ્લા વિકાસ અધિકારી ડો.મનીષકુમાર બંસલે વૃક્ષારોપણ કરી ટીમને પ્રોત્સાહિત કરી હતી. જીલ્લામાં વઢવાણ, લીંબડી, પાટડી, ચોટીલા, સાયલા, થાન, લખતર સહિતના તમામ તાલુકામાં ધનિષ્ઠ વૃક્ષારોપણ કરાયું હતું.
ટીમના સભ્યો પોતાના અંગત વાહનો-કારમાં નર્સરીથી રોપા ગામે ગામ લઈ ગયા હતા અને જાત મહેનતથી આ કાર્ય કરેલ. વાવેલા ૧૦ હજાર વૃક્ષો ઉછેરવાની પૂર્ણ જવાબદારી ટીમના સભ્યો દ્વારા વહેંચી લેવામાં આવી છે. વૃક્ષારોપણની કામગીરીમાં મયુરસિંહ ઝાલા, ભાઈલાલ જાદવ, નિલેષ વ્યાસ, કિશોર જાદવ, અબ્બાસ કુરેશી, હિતેષ સાધુ, નાગજી મીર, જીતેન્દ્ર પંડિત, દેવેશ કંસારા, યોગેન્દ્રસિંહ પરમાર, રામ ઠાકર, ઘનશ્યામ દેગામડીયા, મુકેશ પટેલ, ગાયત્રી પ્રસાદ, ભરત સહિતનાએ પોતાનું શ્રમદાન કર્યું હતું.