આજે પુરી થતી મુદ્દને લંબાવી 30 જૂન 2021 કરતી સરકાર
પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા મામલે કેન્દ્ર સરકારે રાહત આપી છે. કેન્દ્ર સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની તારીખ 30 જૂન સુધી લંબાવી દીધી છે. ઈનકમ ટેક્સ વિભાગે સતાવાર રીતે કહ્યું છે કે, કેન્દ્ર સરકારે કોવિડ-19મહામારીના કારણે થઈ રહેલી મુશ્કેલીને ધ્યાનમાં લેતાં પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન 2021 સુધી લંબાવી દીધી છે. આ પહેલા પાન કાર્ડને આધાર કાર્ડથી લિંક કરવાની આજે 31 માર્ચ 2021 છેલ્લી તારીખ હતી. પહેલા સમયસીમા 30 જૂન 2020 હતી, જેને વધારીને સરકારે 31 માર્ચ 2021 કરી દીધી હતી જે બાદ ફરીવાર તારીખ લંબાવાઈ છે. આધાર સાથે પાનને લિંક કરવા ઇન્કમ ટેક્સની વેબસાઈટ પર જતા અહીં એક હોમ પેજ ખુલશે, હોમ પેજ પર ’લિંક આધાર’નો ઓપ્શન દેખાશે. ક્લિક કર્યા બાદ પાન નંબર, આધાર નંબર અને અન્ય જરૂરી જાણકારીઓ ભરવાનો ઓપ્શન દેખાશે. પુરેપુરી ડિટેલ ભર્યા બાદ કેપ્ચા કોડ નાખી લિંક આધાર પર ક્લિક કરવાથી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે.આમ કરતાં જ પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક થવાની સૂચના આવી જશે. જો પાન કાર્ડ આધાર કાર્ડથી લિંક નથી તો ડિએક્ટિવેટ થઇ જશે, અને જો તમે પછીથી આને લિંક કરાવો છો તો તમારે રૂપિયા 1 હજાર લેટ ફી તરીકે ચૂકવવી પડશે. આ ઉપરાંત તમારા બેન્કના પણ કેટલાય કામો અટકી જશે. પાન-આધાર લિંક ના થવાથી તમે 50 હજાર રૂપિયાથી વધુની લેવડદેવડ નહીં કરી શકો. આ ઉપરાંત મ્યૂચ્યૂઅલ ફંડ, ડીમેટ એકાઉન્ટ ખોલવા અને નવુ બેન્ક એકાઉન્ટ ખોલવામાં પણ મુશ્કેલીઓ આવી શકે છે.