ધોળીધજામાંથી છોડાતું પાણી સૌરાષ્ટ્ર-કચ્છમાં ફોર્સથી આવતું ન હોવાથી થયેલી તપાસમાં ‘ચોરી’ છાપરે ચડી
સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ અને ઢાંકીની પાણીની 3 લાઇનથી સુરેન્દ્રનગરની સાથે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 2605 ગામ અને 41 શહેરોને પાણી પહોચાડવામાં આવે છે. અહીંયાથી પૂરતું પાણી છોડવા છતાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પુરતા પ્રમાણમાં પાણી ન પહોંચતા પાણીપુરવઠા વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના જુદા જુદા તાલુકામા ખેતી માટે દરરોજ 21 કરોડ લીટર પાણીની ચોરી થતી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
સુરેન્દ્રનગરના ઢાંકી પમ્પિંગ સ્ટેશન અને ધોળીધજા ડેમમાંથી 3 પાઇપલાઇનની યોજનાથી રાજકોટ, જામનગર અને છેક કચ્છ અને સૌરાષ્ટ્રના ગામોને પાણી પહોંચાડવામાં આવે છે. તેના માટે દરરોજ ત્રણેય લાઇનમાં કુલ 450 એમએલડી પાણી છોડવામાં આવતુ હતુ. તેમ છતાં લોકોને પાણી પૂરું પડતું ન હતુ. આથી પાણી પુરવઠાની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતુ. જેમાં પાણીની મોટી લાઇનમાં ભંગાણ કરીને એક વર્ષમાં 419 ગેરકાયદેસર જોડાણો લઇને ખેતરોમાં પાણી પાતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
કેનાલમાં ભંગાણ કરીને પાણીની ચોરી કરનારાને કુલ રૂ.9.56 કરોડથી વધુનો દંડ ભરવા માટે નોટિસો ફટકારવામાં આવી છે. જેમાંથી માત્ર રૂ.12.59 લાખની જ રીકવરી થઇ છે. જ્યારે 135 લોકો સામે પાણી ચોરીની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. જેમાં વર્તમાન સમયે મૂળી તાલુકાના ગામોને નર્મદાના નીરનો ખૂબ ઓછો લાભ મળી રહ્યો છે. અને આથી જ મૂળી તાલુકામાં સૌથી વધુ 391 કેસ જ્યારે સૌથી ઓછા લખતરમાં એક કેસ છે. દંડ ન ભરનારા સામે પાસાથી લઇને રેવન્યુ રાહે કાર્યવાહી કરાશે: કોમલબેન અડાલજા (મેનેજર, જીડબલ્યુઆઇએલ)
આ અંગે જીડબલ્યુઆઇએના મેનેજર કોમલબેન અડાલજાએ જણાવ્યું હતું કે, પાણી ચોરીને રોકવા માટે એસઆરપી,પોલીસ તથા ગનમેનની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે. લોકો દંડ ન ભરે તેમની સામે રેવન્યુ રાહે મિલ્કત જપ્તી કાર્યવાહી થશે.પાણી ચોરીમાં કેદની સજા સહિત કાર્યવાહી થાય છે. એકથી વધુ વાર પકડાયા તેવા 22 સામે પાસા કાર્યવાહીની દરખાસ્ત કલેક્ટરને કરાઇ છે.
પાણી જરૂરિયાતમંદ ખેડૂતોને વેચવામાં આવતું હતું.
તપાસ માટે જ્યારે ટીમ જતી હતી ત્યારે કેટલીક જગ્યાએ પાણીની લાઇનમાં ભંગાણ કરીને 5 કિમી સુધી દૂર પાણીની લાઇન લઇ લેવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો મળી હતી. આટલું જ નહી પરંતુ આ પાણીની ચોરી કરીને અન્ય ખેડૂતોને પાણી વેચાતું પણ આપવામાં આવતુ હોવાનું ખુલવા પામ્યું હતુ.