જોરાવરનગર પાણીની ટાંકીના વાલ્વમાંથી લાખો લીટર પાણી રસ્તા-ગટરમાં વહી જવા છતાય બંધ કરવા વાળુ કોઇ હાજર ન દેખાતા નાગરીકે વિડીયો વાયરલ કરતા પાલિકાની કામગીરી સામે શહેરીજનોએ રોષ વ્યકત કર્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર, એક દિવસ પહેલા જ પુરતુ-સમયસર પાણી નહીં મળતુ હોવાના કારણે ગણપતિ ફાટસર વિસ્તારના લોકોએ હાઇવે ચકકાજામ કરી સુરેન્દ્રનગર પાલિકાનો વિરોધ દર્શાવ્યો હતો.
ત્યારે બીજા જ દિવસે જોરાવનગર પાણીની ટાંકીના વાલ્વમાંથી લાખો લીટર પાણી રસ્તા ઉપર ચોમાસાની જેમ ફરી વળ્યુ હતુ અને ગટરમાં પણ વહી ગયુ હતુ. એક તરફ સુરેન્દ્રનગરમાં પાણી માટે પોકાર પડી રહ્યા છે અને અહીં લાખો લીટર પાણી વેડફાઇ રહ્યું હોવા છતાય પાલિકાનો કોઇ સ્ટાફ હાજર દેખાતો ન હતો. આ ગંભીર બાબતનો જાગત્ત નાગરીકે વીડિયો વાયરલ કરતા સુરેન્દ્રનગર પાલિકાની બેદરકારી સામે શહેરીજનોએ ભારે રોષ વ્યકત કર્યો હતો.