ડાઈંગમાં ભાવવધારો તથા ઘરાકીમાં 20ટકાનો ઘટાડો નોંધાયો
ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું વઢવાણ બાંધણી ઉદ્યોગ માટે પણ એટલું જ જાણીતું છે. એક સમયે બાંધણીનું મોટું બજાર કાળક્રમે ઘટીને 50 વેપારી સુધી સીમિત થયું છે.આયાત કરાતા કેમિકલ અને કાપડના ભાવ વધતાં 4 મહિનાથી બાંધણી ઉદ્યોગ મંદીમાં બંધાયો છે.
વઢવાણમાં બાંધણીના ડ્રેસ, સાડી, દુપટ્ટા, ચણીયોચોળી, પંજાબી બાંધણી, સુટ, સાડી સિલ્ક સાડી, ગામઠી સુટ, બેડસીટ, ગાઉન, લોબડી, માતાજીના ભેળીયા, શાલ વગેરેનું ઉત્પાદન કરવામાં આવે છે. અહીંની બાંધણી મહારાષ્ટ્ર, હિમાચલ, ઓરિસ્સા, રાજસ્થાન, દિલ્હી, કલકતા ઉપરાંત વિદેશમાં પહોંચે છે.
કાપડના ભાવમાં 25થી 30 ટકાનો વધારો
આ અંગે કૌશિક નિર્મળ, પંકજ હરગણ સહિતના વેપારીઓએ જણાવ્યું કે, બાંધણીની ચીજવસ્તુઓ બનાવવા માટે દૈનિક જરૂરિયાતને લઇને એક માસમાં અંદાજે રૂ. 2,50,000ની કિંમતનું કેમિકલ અને 1,00,000 મીટર કાપડનો ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ વાપી, વલસાડ, સુરતથી આવતા કેમિકલ તેમજ મુંબઈથી લવાતા કાપડના ભાવમાં 25થી 30 ટકાનો વધારો થયો છે.
વેપારીઓ તેમજ ઉદ્યોગ સાથે જોડાયેલા મજૂરો પણ મુશ્કેલીમાં
આથી જુદી જુદી બનાવટોના ભાવ વધી ગયો છે. પહેલા જુદી જુદી 50,000 જેટલી બાંધણીનુ ઉત્પાદન થતું હતું જે હાલ 15,000 પર પહોંચી ગયું છે. જેના કારણે હાલ 15થી 20 ટકા જ ઘરાકી જોવા મળી રહી છે. ગુજરાત સાથે અન્ય રાજ્યોમાંથી માલ ખરીદવા આવતા લોકોની સંખ્યા પણસદિવસે દિવસે ઘટી રહી છે. આથી વેપારીઓ તેમજ ઉદ્યોગ સાથે જોડાયેલા મજૂરો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
વાપી, વલસાડ અને સુરતથી આવતા કેમિકલનો દૈનિક 5000 લીટર જેટલો ઉપયોગ
કાપડને રંગવાનો કલર બનાવવા હાઇડ્રોક્લોરિક કોસ્ટીટ, નાઇટ્રેટ સોડિયમ એસિડ અને ભઠ્ઠી માટે ડીઝલનો ઉપયોગ કરાય છે. આ કેમિકલ વલસાડ, વાપી અને સુરત સહિતના સ્થળેથી લાવવામાં આવે છે. બાંધણીના ઉત્પાદનમાં રોજ 5 કિલો કેમિકલ હાઇડ્રોક્લોરિક કોસ્ટીટ,5 લીટર એસિડ અને અંદાજે ભઠ્ઠી માટે 20 લીટર ડિઝલનો એક વેપારી દીઠ વપરાશ છે. આમ દૈનિક અંદાજે 5000 લી.કેમિકલનો ઉપયોગ થાય છે
બાંધણી નામ કેવી રીતે પડ્યું?
વઢવાણનો બાંધણી ઉદ્યોગ સદીઓથી સુવિખ્યાત છે. આધુનિક યુગમાં પણ વઢવાણની બાંધણી સ્પર્ધા કરી રહી છે. બાંધણી સુતરાઉ તેમજ રેશમની સાડી હોય છે. જેના વિશિષ્ટ રંગકામને કારણે બાંધણી તરીકે ઓળખાય છે. બાંધે તે બંધન અને આ બંધન શબ્દ પરથી બાંધણી નામ પડ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. વઢવાણમાં પણ બાંધણી મોટા પાયે બને છે. આ બાંધણી બનાવવાના કામમાં લોકો કુશળતા ધરાવે છે.
હજીસુધી બાંધણીની કારીગરી માટે યંત્ર શોધાયું નથી
21મી સદીમાં દરેક કાર્ય માટે યાંત્રિક સાધનો શોધાયા છે. પરંતુ બાંધણીને ઝડપભેર બાંધી શકે એવુ કોઇ યંત્ર આજ સુધી શોધી શકાયું નથી. સામાન્ય રીતે સુતરાઉ તેમજ સાટિન રેશમી વસ્ત્ર પર બાંધણી કામ સૌથી વધુ થાય છે.
બાંધણીની ચીજવસ્તુઓ બનાવવા માટે વેપારીઓ દ્વારા કાપડ મુંબઇથી ઓર્ડર મંગાવવામાં આવે છે અને અંદાજે રૂ. ર0,000 ની કિંમતે રોજનું 2,000 મીટર કાપડનો વેપારીઓ ઉપયોગ કરી રહ્યા છે. જો મોટા વેપારીઓ હોય તો અંદાજે પ000 મીટર સુધી પણ કાપડ પહોંચી જાય છે. પરિણામે કાપડના ભાવમાં હાલ અંદાજે રપ થી 30 ટકા વધારો જોવા મળી રહ્યો છે. પહેલા કાપડના 1 મીટરની રૂ. 18 હતા. જે હાલમાં 1 મીટર કાપડના રૂપિયા રપ સુધી પહોંચી ગયા છે.