અંદાજે 10 થી વધુ ગામોના 1.5 લાખથી વધુ લોકોને પડતી હાલાકી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકા મથકને હડાળા ગામ સાથે જોડતો છેલ્લા 10 કરતા વધુ વર્ષોથી બિસ્માર હાલતમાં છે. આ અંગે અનેક રજૂઆતો છતાં નવીનીકરણ કે સમારકામ ન થતા વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનોએ કલેકટર કચેરી ધસી આવી તાકિદે રોડ બનાવવા માંગ કરી છે.
સુરેન્દ્રનગરના ગામડાઓને જોડતા રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. ગ્રામ્ય પંથકોના લોકો દ્વારા કરાતી અનેક રજૂઆતો જાણે કચરા ટોપલીમાં ફેંકી દેવાતી હોય તેમ રસ્તાઓનું સમારકામ થતુ નથી કે નવીનીકરણ કરવામાં આવતુ નથી. ત્યારે આવી જ સ્થિતિ લીંબડીથી હડાળા તરફ જવાના રસ્તાની છે. હડાળાથી લીંબડી જવાના રસ્તે ઉંટડી, ચોકી, ખંભલાવ, ત્રાડીયા, પાણશીણા, ભોજપરા, દેવપરા, કમાલપુર સહિતના ગામો આવે છે.
ખરાબ રસ્તાથી આ ગામોની 1.50 લાખથી વધુની વસ્તી છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી પરેશાન બની છે. ત્યારે નાગરીક સંશોધન અને સંઘર્ષ કેન્દ્રના ભરતસિંહ આર. ઝાલાની આગેવાની હેઠળ ગામોના લોકો અને વિદ્યાર્થીઓએ કલેકટર કચેરીમાં લેખિત રજૂઆત કરી રસ્તાનું તાકિદે નવીનીકરણ કરવા માંગ કરી હતી.
આ રજૂઆતમાં જણાવાયા મુજબ પ્રસૂતી કે હૃદયરોગના હૂમલા સમયે દર્દીને દવાખાને લઇ જતા રસ્તામાં જ અનીચ્છનીય બનાવ બની જાય છે. આ ઉપરાંત ખેડૂતોને પોતાના ખેતરમાં વાવેલ કપાસ, કાલા, જીરૂ સહિતના પાક યાર્ડમાં લઇ જવામાં તકલીફ પડે છે. જયારે ખરાબ રસ્તાને લીધે બસો અનેકવાર ન આવતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસરો પડે છે. આથી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં તાકિદે આ રસ્તાનો સમાવેશ કરી રસ્તો નવો બનાવવા રજૂઆતના અંતે માંગણી કરાઇ છે.