જિલ્લા કલેકટરશ્રી કે.રાજેશના માર્ગદર્શન અને સુચનથી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જીતેન્દ્ર મકવાણા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજય મોટકા અને બાળ સુરક્ષાની ટીમ દ્વારા બિહારના ખોવાયેલ નવશેલ દિવાન અન્સારી નામના ૧૦ વર્ષીય બાળકનું તેના પરિવાર સાથે પુન: મિલન કરાવ્યુ હતું.
આ બાળક તેના મિત્ર- કાકાના દીકરા સાથે આશરે ત્રણ મહિના પહેલા પોતાના પિતાની મંજૂરીથી ગુજરાત ફરવા આવેલ. રાજકોટમાં તેનો મિત્ર મસાલાનું કામ કરતો હતો. મિત્રનું કામ પૂરું થતાં તે બંને સાંજના સમયની મોતીહારી મુઝફરાબાદની ટ્રેનમાં તેમના વતન જવા માટે નીકળ્યા હતા. રસ્તામાં આવેલ સ્ટેશને ટ્રેન ઉભી રહેતા બાળક પાણી પીવા નીચે ઉતરે છે. તે દરમ્યાન ટ્રેન ઉપડી જતા બાળક ત્યાંજ રહી જાય છે.
સ્ટેશનના પ્રેષક દ્વારા તેની પૂછ-પરછ કરતા અને માહિતી મળતા પ્રેષકે મોરબી ચાઈલ્ડ લાઇનને ફોન કરીને બાળકને સી ડબલ્યુ સી ના આદેશથી સુરેન્દ્રનગર ખાતે બાળ સંભાળ ગૃહ બાલાશ્રમ સંસ્થામાં આશ્રિત કરવામાં આવેલ. સ્થાનિક આગેવાનની મદદ લઇ બાળકના પરિવારની શોધ કરી હતી અને સંપર્ક કરીને બાળકનું તેના પિતા સાથે પુન:મિલન કરાવ્યું હતું.