સુરેન્દ્રનગર જિલ્લામાં લોકડાઉન હોવા છતાં દિન-પ્રતિદિન અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે બાવળા-બગોદરા હાઈવે પર કલ્યાણગઢ ગામના પાટીયા પાસે કાર પલ્ટી મારતાં વૃધ્ધનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું જ્યારે અન્ય ૧૦ વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં.
બાવળા-બગોદરા હાઈવે પર કલ્યાણગઢ ગામ પાસે અમદાવાદથી ખાનગી કારમાં ૬ જેટલા લોકો ભાવનગર તરફ જઈ રહ્યા હતા.
તે દરમિયાન કાર ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી મારતાં કારમાં સવાર વાલજીભાઈ કાનજીભાઈ ઉ.વ.૭૫નું ઘટના સ્થળે મોત નિપજયુ હતું.
જ્યારે આ અંગેની જાણ થતાં બગોદરા પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકની લાશનો કબજો લઈ પી.એમ. અર્થે બગોદરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. જ્યારે બીજા અકસ્માતમાં સુરતથી એસ.ટી. બસમાં લોકો અમરેલી જઈ રહ્યા હતા તે દરમિયાન ફેદરા ગામ પાસેથી એસ.ટી.બસ પલ્ટી મારતાં અંદાજે ૧૦ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી.
જે પૈકી ૨ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફતે ધંધુકા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે લોકડાઉન હોવા છતાં કારને કેમ રોકવામાં ન આવી તેમજ ચેક પોસ્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓએ કારને કેમ જવા દીધી તે અંગે પણ અનેક સવાલો ઉભા થયા છે.