ફારૂક ચૌહાણ, સુરેન્દ્રનગર: હાલ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ચોરી, લૂંટફાટ તેમજ હત્યા જેવા ગુનાઓના બનાવો વધતા જઈ રહ્યા છે. ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્યોમાં આંતરરાજ્ય ગેંગ સક્રિય થઈ છે. ત્યારે સુરેન્દ્રનગરમાં આવેલી સોનુ ગાળવાની ભઠ્ઠીમાં ધાડ પાડે એ પેલા જ સુરેન્દ્રનગર પોલીસે ગેંગને ઝડપી પાડી છે. સાત શખ્સો ઝડપાયા છે. આ ઉપરાંત હથિયારો સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
નોંધનીય છે કે ગઈકાલે રાજકોટની સોની બજારમાં થયેલી ચોરીની ઘટના બાદ તપાદ દરમિયાન રાજકોટ પોલીસને બાતમી મળી હતી કે સુરેન્દ્રનગરનો વિપુલ સોની નામનો શખ્સ અન્ય તેના સાગરીતો સાથે મળી સોનાની લૂંટ કે ચોરીના બનાવને અંજામ આપવાની તૈયારી કરી રહ્યો છે. રાજકોટ પોલીસની આ બાતમીના આધારે સુરેન્દ્રનગર સિટી એ. ડિવિઝન પોલીસ ટીમે રિવરફ્રન્ટ રોડ પરથી ગેંગના સાતેય શખ્સોને દબોચી લીધા છે.
સુરેન્દ્રનગર અંબા મિકેનીક પાછળ રહેતો વિપુલ ઉર્ફે લાલો ભૂપેન્દ્રભાઇ સોની મુખ્ય સુત્રધાર હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. જેણે પોતાની ગેંગ સાથે મળી વેળાવદર, જુનાગઢ , અમરેલીના શખ્સો સાથે મળી મોટાપાયે ચોરીનો પ્લાન બનાવ્યો હતો. સુરેન્દ્રનગર પતરાવાળી ચોકમાં આવેલી શિવાજી નામની સોનુ ગાળવાની ભઠ્ઠીમાં ધાડ પાડવાનો પ્લાન તૈયાર કર્યો હતો. આ ગેંગના સભ્યો પાસેથી એરગન, ૪ છરી, ૬ મોબાઇલ ફોન તથા ત્રણ થેલા સહીતનો મુદ્દામાલ મળી આવ્યો છે. પોલીસે સાતેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.