બેંકના પુના ખાતેના સર્વરમાંથી ઈ-મેઈલ આવતા બનાવ બહાર આવ્યો: રીઢા શખ્સ સહિત ત્રણ ઝબ્બે
સુરેન્દ્રનગર શહેરના દુધરેજ રોડ પર આવેલ બહુચર હોટલ પાસે એસબીઆઈના એટીએમમાં રાતના 1-30 કલાકના સમયે ત્રણ શખ્સોએ પ્રવેશ કરી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો. બેંકના પુના ખાતેના સર્વરમાંથી બેંકના રીજીયોજનલ ચેનલ મેનેજરને આ અંગેનો ઈ-મેઈલ આવતા સમગ્ર બનાવ બહાર આવ્યો હતો. જેમાં સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના ડી સ્ટાફે ત્રણ શખ્સોને એટીએમ તોડી ચોરીના પ્રયાસ બદલ ઝડપી લીધા છે. ઝડપાયેલા ત્રણ શખ્સોમાંથી 1 શખ્સ ચોરીનો રીઢો ગુનેગાર છે.
સુરેન્દ્રનગર શહેરમાં ચોરીના બનાવો અવારનવાર સામે આવે છે. ત્યારે શહેરમાં બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર 3 શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. બનાવની મળતી માહીતી મુજબ સુરેન્દ્રનગરના દુધરેજ રોડ પર આવેલ બહુચર હોટલ સામે બીઝનેશ વ્યુ કોમ્પ્લેક્ષમાં એસબીઆઈનું એટીએમ આવેલુ છે. આ એટીએમમાં રાતના 1-26 કલાકના સુમારે કોઈએ એટીએમના આગળના કવર તોડી એટીએમ તોડવાનો પ્રયાસ થયો હોવાની જાણ મુળ ઉત્તરાખંડના હરીદ્વાર જિલ્લાના કાંગડી ગામના અને હાલ અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા બેંકના રીજીનલ ઓફીસના ચેનલ મેનેજર વિવેકસીંગ સુનીલસત્યપાલસીંગ પાલને મહારાષ્ટ્રના પુના ખાતે આવેલા સર્વરમાંથી મેઈલ આવતા જાણ થઈ હતી. આથી તેઓએ સુરેન્દ્રનગર ખાતે દોડી આવી બેંકના મેનેજર સાથે તપાસ કરતા એટીએમ રૂમમાં એટીએમના આગળના કવર તુટેલી હાલતમાં જણાયા હતા.
આ દરમીયાન બીપીનભાઈ ઈન્દરીયાના ખાતામાંથી પૈસા વીથ-ડ્રો થયા હોવાની જાણ થતા તેમની તપાસમાં ત્રણ શખ્સોએ એટીએમ ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યુ હતુ. આથી વિવેક પાલે આ અંગે એ ડીવીઝન પોલીસ મથકે ત્રણ શખ્સો સામે એટીએમમાં ચોરીનો પ્રયાસ કર્યાની ફરીયાદ નોંધાવી હતી. આ અંગેની ફરીયાદ નોંધાતા જ એ ડીવીઝન પોલીસ મથકના ડી સ્ટાફના ધનરાજસીંહ, હારૂનભાઈ, મુકેશભાઈ, રાજેન્દ્રભાઈ, કીશનભાઈ, વિજયસીંહ સહીતનાઓએ એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા મયંક હીતેશભાઈ સોલંકી, અજય જગા સહિત ત્રણ ને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.