સુરેન્દ્રનગર જિલ્લો ઉત્તમ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. અહીંયાની જમની અને આબોહવા કપાસના પાકને ખૂબ અનુકૂળ આવતી હોવાને કારણે ખેડૂતો સૌથી વધુ કપાસનું વાવેતર કરે છે. આ વખતે 3 લાખ હેક્ટરથી વધુ જમીનમાં કપાસનું વાવેતર કરાયું હતું. જેમાં અંદાજે 5 લાખ ગાસડી કપાસનું ઉત્પાદન થયું હતું. પરંતુ પૂરતો ભાવ ન મળવાને કારણે ઘણા ખેડૂતોએ હજુ સુધી પોતાનો કપાસ વેચ્યો નથી સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ 2 લાખ ગાસડી જેટલો કપાસ સંગ્રહ કરીને રાખ્યો છે.
પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોને નુકસાન: 3 લાખ હેક્ટરમાં વાવેતર, 5 લાખ ગાંસડીનું ઉત્પાદન
જિલ્લામાં 3 લાખ હેકટર જમીન પર કપાસનું વાવેતર કરાયું હતું. પરંતુ કપાસના ભાવ ગગડીને તળીયે પહોચી ગયા છે. તેથી ખેડૂતોએ આર્થિક પાયમાલીથી બચવા કપાસનું વેચાણ કર્યું નથી. હાલ ખેડૂતોના ઘરમાં 3 લાખ ગાંસડી કપાસ પડ્યો છે. ત્યારે સફેદ કપાસ ખેડૂતો માટે કાળો કકળાટ બન્યો છે. ભારત દેશમાં કપાસના કુલ ઉત્પાદન પૈકી 33 ટકા કપાસનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. તેમાંય ગુજરાતમાં સૌથી વધુ હિસ્સો એટલે કે રાજ્યનો 15 ટકા કપાસ સુરેન્દ્રનગરમાં થાય છે. ઝાલાવાડના ખેડૂતોએ 3 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કર્યું હતું. જેમાં બીટી કોટન કલ્યાણ, વાગડ વગેરે જાતો વાવી હતી. ખેડૂતોએ માવઠાના માર વચ્ચે અથાગ પરિશ્રમ કરીને કપાસનું ઉત્પાદન કર્યું હતું.
આથી જિલ્લામાં શ્વેત કૃષિ ક્રાંતિ થઇ હતી. પરંતુ ખેડૂતોના ઘરમાં કપાસ આવતા જ રૂ.2000ના મણનો કપાસનો ભાવ ઘટવાનો શરૂ થયો હતો. એક મણ કપાસનો ભાવ રૂ.1300 સુધી ઘટી જતા ખેડૂતોને નુકસાનનો ભય સતાવતા ઘરમાં જ કપાસ ભરી રાખવાનો વારો આવ્યો છે. અંદાજે 3 લાખ ગાસડી કપાસ ખેડૂતોએ વેચ્યો હતો.બાકીનો કપાસ પોતાના ઘરમાં જ સંગ્રહ કરીને રાખ્યો છે.કપાસની ગુણવત્તા પર અસર થાય છે. કપાસમાં જીવાતનો ઉપદ્રવ થવાનો ભય રહે છે.
ખેડૂતો પાસે કપાસ આવે છે ત્યારે જ ભાવ નીચા થઇ જાય છે
બજારમાં જયારે ખેડૂતો પાસે કપાસ નથી હોતો ત્યારે તેનો ભાવ ઉચકાય છે.અને જયારે ખેડૂતો પાસે કપાસ આવવાની શરૂઆત થાય કે તુરંત ભાવ ઘટવા લાગે છે. નીચા ભાવને કારણે ખેડૂતો કપાસ વેચી શકતા નથી.અને દેણામાં ગરકાવ થઇ જાય છે. ચતુરભાઇ પટેલ,ખેડૂત ખેતીનો ખર્ચ વધતો જાય છે અને ભાવ એના એજ રહે છે