સોમાસર ગામમાં પડકારો જીલી લેવાની તાકાત
પટોળાનું નામ આવે એટલે સૌના મોઢે પાટણનું નામ આવે પરંતુ ઝાલાવાડનાં સોમાસર ગામના પટોળાનાં કારીગરોએ આ પરંપરા તોડી આધુનિક પટોળા બનાવી નવી કેડી કંડારી અને કલાને જીવંત રાખી છે. સોમાસર ગામનાં અનેક યુવકોએ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી તેમજ કૃષિમાં આધુનિકતા અપનાવી ક્રાંતિ સર્જી છે. મૂળી તાલુકાનાં અનેક ગામોની પોતાની આગવી ઓળખ છે જેમાં કોઇ ઐતિહાસિક દ્રષ્ટિએ તો કોઇ આગવી વિકાસની કેડી કંડારી આગળ વધી રહ્યા છે. ત્યારે મૂળી તાલુકાનાં સોમાસર ગામે અનેક પરિવારો હાથ વણાટનાં પટોળા બનાવી સમગ્ર ગુજરાતમાં પોતાનું નામ રોશન કર્યું છે.
ખાસ પટોળાનો ઇતિહાસ જોતા પાટણમાં જ પટોળા બનાવી શકે તે માટે ત્યાનાં રાજવીએ મહારાષ્ટ્રથી કારીગરો બોલાવી આશ્રય આપતા સમગ્ર પંથકમાં ડંકો વગાડ્યો હતો. પરંતુ સમય જતાં આ ઉધોગ સુરેન્દ્રનગરનાં સોમાસર ગામે ખૂબ જ સારી રીતે વિકાસ પામ્યો છે. સોમાસરમાં 50થી 60 પરિવાર પોતાનું ગુજરાન પટોળા પર ચલાવે છે. આ ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે 1990થી મંડળી ઊભી કરી વિવિધ સરકારી સેવાનો લાભ લઇ રહ્યા છે.પટોળા બનાવવા માટે કાચુ મટિરિયલ બેંગલોરથી અને રેશમનાં તાર સુરતથી મગાવવામાં આવે છે.
પટોળા બનાવવા કાચા રેશમને ખોલી તેના કોન બનાવવામાં આવે છે અને બાદમાં રેશમનો મજબૂત તાર બનાવી તેને પાણીમાં ગરમ કરી ચિકાસ દૂર કરી વિવિધ રંગ લગાવવામાં આવે છે. બાદમાં સાચા તાર જરીને વણાટ કામ કરવામાં આવે છે. એક પટોળામાં 7થી 8 કલર આવી શકે છે. 450 ગ્રામ રેશમ અને 50 ગ્રામ તાર મળી અંદાજે 500 ગ્રામનું આકર્ષક અને મન હરી લે તેવું કલાત્મક પટોળું તૈયાર થાય છે. પટોળાની માણેકચોક ચંદાભાત, નારીકુંજર, નવ રત્ન, છાબડીભાત, બટન કુલભાત, દડાભાત, તારાચંદ, પાનભાત, ચંદા જેવા કલાત્મક ડીઝાઇનો તૈયાર કરાય છે.
રાજઘરાના ગણાતા એવા પટોળાની કિંમત 2500થી લઇ 1 લાખ સુધીનું તૈયાર થાય છે. એક પટોળુ બનાવવામાં 20 દિવસ જેટલો સમય લાગે છે. તૈયાર થઇ ગયા બાદ સુરત બેંગલોર મુંબઇ ,વડોદરા,પુના ,ઇન્દોર તેમજ વિદેશમાં પણ મોકલવામાં આવે છે.
સોમાસર ગામે સમગ્ર ગુજરાતમાં અનોખી નામની મેળવી છે. જ્યારે ખેડૂતો પણ આધુનિક ટેક્નોલોજીીનો ઉપયોગ કરી ખેતી ક્ષેત્રે અનોખી ક્રાંતિ સર્જી છે. સોમાસર ગામમાં પટેલ, તળપદા કોળી, ચુંવાળીયા કોળી, રબારી, કાઠી, દલિત એમ પચરંગી વસ્તી હળી મળી રહે છે.
સરકારી યોજના થકી વિકાસના કામો થયા
હાલ સોમાસર ગ્રામપંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવતા યુવા સરપંચ હસુભાઇ ગોલાણી છેલ્લી બે વખતથી સરપંચ પદે કામગીરી કરી રહ્યા છે. જેઓએ ગામમાં પેવર બ્લોક,આર સી સી રોડ, તેમજ રોડ પરનાં મકાનોમાં તકલિફ ન પડે તે માટે વિવિધ નાળા બનાવવા સાથે આંગણવાડી,પ્રાથમિકશાળ ા સહિતમાં વિકાસલક્ષી કામો કરી ગામને રળીયામણુ બનાવાયુ છે.
પિયત માટે પાણી મળે તો ખેડૂતો હરણફાળ ભરી શકે
સોમાસરનાં ખેડુતો મહેનતમાં કોઇજ પાછી પાની રાખતા નથી પરંતુ સિંચાઇ માટે પાણીની કોઇ વ્યવસ્થા ન હોવાથી ખેડુતો ખેતી છોડી અન્ય ધંધા તરફ વળ્યા છે.સાથે સિંચાઇ માટે પાણી મળે તેવી માગ કરી છે.