પોલીસ દ્વારા સી.સી.ટી.વી. ફૂટેજના આધારે બોગસ સાધુને ઝડપી લેવા ચક્રો ગતિમાન
પાટડીથી મીઠાઘોડા જઇ રહેલા એક નિવૃત્ત શિક્ષકને સાધુના વેશમાં આવેલા બે શખ્સોએ શંકર ભગવાનના મંદિરે જવાનું કહી સંમોહિત કરી રૂ. 2.17 લાખ ઓળવી ગયા હતા. આ બનાવ અંગે નિવૃત્ત શિક્ષકે પાટડી પોલીસ મથકે અરજી કરતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે કાર્યવાહી હાથ ધરી છે.પાટડી ગણેશનગરમાં રહેતા નિવૃત્ત શિક્ષક અમરસીભાઇ માવજીભાઇ ઝીંઝુવાડીયા પાટડીથી બાઇક પર વ્યવહારિક કામે જવા નિકળ્યા હતા. ત્યારે ભાવના ફાર્મ હાઉસ પાસે પહોચ્યો ત્યારે પાછળથી આવેલી ગાડીમાં બેઠેલા ડ્રાઇવર અને નગ્ન અવસ્થામાં બેઠેલા સાધુએ શંકર ભગવાનના મંદિર વિશે પૃચ્છા કરી હતી.
બાદમાં આ નિવૃત્ત શિક્ષક અમરસીભાઇ ઝીંઝુવાડીયાને સંમોહિત કરી એમની પાસેથી રૂ. 500 કે 600 લઇ એને ફાડી નાંખવાનું જણાવી અને બાદમાં મોબાઇલ લઇ તોડી નાંખવાનું જણાવી આ તારી પરીક્ષા છે એમ કહી સંમોહિત કરી વશમાં કરી લીધો હતો. બાદમાં નગ્ન સાધુએ પુછ્યું કે, તારી પાસે બીજા રૂ. છે. તો ભાન ભુલેલા નિવૃત્ત શિક્ષકે ઘેરથી રૂપિયા લઇને આવાનું કહી ઘેર પરત આવ્યા હતા.ઘેરથી રૂ. 2.17 લાખ લઇને ગામથી 2 કિ.મી.દૂર ગાડીમાં આવેલા નગ્ન સાધુને આપી દીધા હતા.
બાદમાં એ સાધુએ આગળ જાવ અમે પાછળ પાછળ આવીએ છીએ પણ તમે પાછળ વળીને ના જોતા એમ કહીં નિવૃત્ત શિક્ષક થોડા આગળ આવ્યા બાદ ભાનમાં આવતા પાછળ વળીને જોયું તો ગાડી, નગ્ન સાધુ અને કાર ચાલક ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે નિવૃત્ત શિક્ષકે પાટડી પોલીસ મથકે અરજી કરતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવીમાં ગાડી તો દેખાય છે પણ ગાડી નંબર સ્પષ્ટ દેખાતો નથી. આથી પાટડી પોલીસે અન્ય સીસીટીવી ફુટેજના આધારે નાસી છૂટેલા બંને શખ્સોને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.