પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસની નિષ્ક્રિયતાના કારણે કાયદો વ્યવસ્થા તદ્દન ખાડે ગઇ છે. લોકોને ઘરમાંથી બહાર નીકળવુ મુશ્કેલ થઇ ગયુ છે. ધ્રાંગધ્રા તાલુકાના ચુલી-સોલડી ગામમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી હતી. સોલડી ગામમાં બંન્ને જુથો સામસામે આવી જતા મોટાપાયે પથ્થરમારો અને મારામારી શરૂ થઇ ગઇ હતી. ત્યાર બાદ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ટીયરગેસ પણ છોડયા હતા.બીજી તરફ જ્યારે જામનગર તરફથી ધ્રાંગધ્રાના પુર્વપાલીકા પ્રમુખના બેસણામાં આવતા ક્ષત્રિય અને ગોપાલધામ મંદિર પાસે બેઠેલા ભરવાડ વચ્ચે જુથ અથડામણ થતા જોતજોતામાં અનેક બાઇક-રીક્ષા અને કારને આગચંપી લગાવી દીધી હતી. આ ફાયરીંગમાં ગોલાસણ ગામમાં રાણા ભાલુભાઇ ભરવાડનું મોત થયેલ છે અને ચિત્રોડી ગામના ખેતા નાગજીભાઇ અને વાલા નાગજીભાઇને ગંભીર ઇજાઓ પહોચી છે.
પોલીસનું સતત પેટ્રૉલિંગ
ચીત્રોડી ખાતે રહેતા અને બે સગાભાઇ ખેતાભાઇ નાગજીભાઇ ભરવાડ, વાલાભાઇ નાગજીભાઇ ભરવાડને ઇજા થતા સારવાર માટે તાબડતોબ મોરબી લઇ જવામાં આવ્યા છે. મંદીર પાસે પડેલા બાઇક તથા કાર સહિત 35 જેટલા વાહનોને આગ લગાવવામાં આવી હતી. આથી મિનિટોના સમયમાં હળવદ હાઇવે તથા ગામમાં ટપોટપ દુકાનો બંધ થવા લાગી હતી. પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી થતા પોલીસે સતત પેટ્રૉલિંગ ચાલુ કરી મામલો થાળે પાડવા દોડધામ શરૂ કરી હતી.
હળવદમાં બનેલી ઘટનાને પગલે ધ્રાંગધ્રામાં પણ લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. રોષે ભરાયેલા લોકોના ટોળાએ બે દુકાનોને આગ ચાંપી હતી. આથી પોલીસે લોકોને વીખેરવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જયારે સોલડી પાસે પણ ટોળા આમને સામને આવી ગયા બાદ પથ્થરમારો થયો હતો. આથી ઘટનાસ્થળે દોડી પહોંચેલી પોલીસે લાઠીચાર્જ કરી ટીયરગેસના સેલ છોડયા હતા. ધ્રાંગધ્રા – હળવદ હાઇવે પર ઘણી જગ્યાએ વાહન તથા દુકાનો સળગાવવાના બનાવો બન્યા છે.