બે પાટીદાર અગ્રણીઓ સામ-સામે આવી જતા સુરેન્દ્રનગર ભાજપમાં નવાજુનીના એંધાણ
સુરેન્દ્રનગર નગરપાલિકાની મળેલી બેઠકમાં વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી કરવામાં આવતા ભાજપના જ એક યુવા નેતાને કયાંય સ્થાન ન અપાતા જાણી જોઇને ધારાસભ્યને ઇસારે પતુ કાપવામાં આવ્યું હોય તેવી ચર્ચાએ જોર પકડયું છે.
તાજેતરમાં સુરેન્દ્રનગર નગરપાલિકાની મળેલી બેઠકમાં વિવિધ સમિતિઓના ચેરમેનોની નિયુકિત કરવામાં આવી હતી. જેમાં એક જાણીતું છતાં ઉભરતું નામ એવા ભાજપના યુવા નેતા અને પાલિકાના સદસ્ય હિતેષ બજરંગીનું સમિતિ ચેરમેનમાંથી પતુ કપાતા આક્ષેપ પ્રતિ આક્ષેપો થવા લાગ્યા છે. જેમાં ધારાસભ્યના ઇશારે આ યુવા નેતાને અળગા કરવામાં આવ્યા હોવાનો ખુદ પક્ષના જ અને પાલિકા સદસ્યએ આક્ષેપ કરતાં પાલિકા ભાજપમાં ગરમાવો આવ્યો છે.
પાંચ પાંચ ચૂંટાયેલા પાલિકા સભ્યોને વિવિધ ખાતા સોંપાયા બીજી તરફ પાટીદાર સમાજના સેવાભાવી યુવા અગ્રણી હિતેષ પટેલ બજરંગનો એક પણ સમિતિમાં સમાવેશ ન કરવામાં આવતા દેકારો બોલી ગયો છે. ભાજપની આંતરીક લડાયમાં બન્ને પાટીદાર નેતા આમને સામને આવી જતાં સુરેન્દ્રનગર જીલ્લા ભાજપમાં કડાકા ભડાકાના એંધાણ વર્તાવા લાગતા દોડધામ મચી જવા પામી છે.
હિતેષ પટેલ બજરંગ પાટીદાર સમાજમાંથી એક રાજકીય ઉભરતો ચહેરો માનવામાં આવી રહ્યો છે. હિતેષ બજરંગે આ ચોકાવનારો આક્ષેપ કરીને ભાજપના ટોચના નેતા ભીખુભાઇ દલસાણીયા સુધી ફરીયાદ કરતા રાજકારણ ગરમાયું છે. ભાજપના ધારાસભ્ય ધનજીભાઇ પટેલે જીલ્લા ભાજપ પ્રમુખને ગેરમાર્ગે દોરી પોતાને પાલિકાની એક પણ સમિતિમાં સ્થાન ન આપી પતુ કાપી નાખવા ઉપરાંત અમુક કોંગ્રેસીઓને સાચવવામાં આવ્યા હોવાનો સણસણતો આક્ષેપ બજરંગે કરતા સુરેન્દ્રનગર ભાજપમાં ભડકો થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
બન્ને પાટીદાર અગ્રણીઓ સામ સામે આવી જતા ભાજપમાં નવાજુનીના એંધાણ વર્તાઇ રહ્યા હોવાનું પણ લોક મુખે ચર્ચાઇ રહ્યું છે.