હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોની ધરપકડ
વઢવાણ ધોળીપોળ ગઢની રાંગ પાસે આવેલા શૌચાલયના મેદાનમાંથી આધેડની લાશ મળી હતી. જેમાં પોલીસે કરાવેલા પીએમ રિપોર્ટમાં મૃતકને જે માર મારવામાં આવ્યો હતો તેન કારણે ઇજા થવાથી મોત થયાનો ચોકાવનારો ખુલાસો થયો હતો. આથી પોલીસે માર મારનાર 3 આરોપીને પકડી છે. પુછપરછ કરતા માત્ર રૂ.100 બાબતે આધેડની હત્યા થઇ હોવાનું તપાસમાં ખૂલ્યું હતું.
મૂળ વાઘેલા ગામના વતની અને મોટાભાગે વઢવાણમાં જ રહેતા 55 વર્ષના ગોપાલભાઇ કરશનભાઇ વોરાની લાશ શૌચાલયના મેદાનમાંથી મળી આવી હતી. તે સમયે અકસ્માતે મોતની ઘટના માનવામાં આવી હતી. પરંતુ બાદમાં ગોપાલભાઇના ભાઇ પોપટભાઇ કરશનભાઇ વોરાએ પોતાના ભાઇને 3 શખસે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.શરીરના અંદરના ભાગોમાં જે ઇજા થઇ હતી તે સમયે ગોપાલભાઇની સાથે રહેલા જસવંતભાઇ ઉર્ફે સુનિલભાઇને પણ ઇજા થયાનું જણાવ્યું હતું. મોત શંકાસ્પદ લાગતા ડીવાયએસપી એચ.પી.દોશી અને પીએસઆઇ ડી.ડી. ચુડાસમાએ મૃતકના વિસેરા ફોરેન્સિક લેબમાં મોકલ્યા હતા. જેમાં આરોપીને જે માર મારવામાં આવ્યો હતો તેના કારણે શરીરના અંદરના ભાગોમાં જે ઇજા થઇ હતી.તેના કારણે મોત થયાનું ખૂલ્યું હતું. આથી પોલીસે ગોપાલભાઇ કરશનભાઇ વોરાની હત્યા કરવાના ગુનામાં સુડવેલ સોસાયટીમાં રહેતા શાહરૂખ ઉર્ફે તીડી રમઝાનભાઇ ચૌહાણ, સુડવેલ સોસાયટીમાં જ રહેતા સલીમશા હુશેનશા દીવાન અને ભારતપરા શેરી નં. 1 માં રહેતા જાકીર અબ્બાસભાઇને પકડી લીધા હતા.
આરોપીઓના લીધેલા નિવેદનોમાં હત્યા થવા પાછળનું કારણ સાવ સામાન્ય હોવાનું બહાર આવ્યું હતું.જેમાં શાહરૂખના ઘર પાસે ગટર રિપેરીંગનું કામ કરવાનું હતું તે માટે તેણે ગોપાલભાઇ વોરાને રૂ.100 આપ્યા હતા.તે પૈસાની ઉઘરાણી બાબતે આરોપીઓએ બોલાચાલી કરીને માર મારીને પૈસા લઇ લીધા હતા. બાદમાં તે મારને કારણે જ ગોપાલભાઇ વોરાનું મોત થયું હતું.લાશ મળી ત્યારે એડી દાખલ થઇ હતી. બાદમાં મૃતકના ભાઇએ ફરિયાદ નોંધાવી માર માર્યાની વિગતો કહી હતી. પોલીસે મૃતદેહના વિસેરા રાજકોટ મોકલ્યા હતા. ફોરેન્સિક લેબમાંથી એવો રિપોર્ટ આવ્યો કે મારને કારણે બરોળ, પાસળી તૂટતાં બ્લડિંગ થવાથી મોત થયું હતું. – એચ.પી.દોશી, એ પત્રકારોને માહિતી આપી હતી.
ત્યારે હત્યાના ત્રણેય આરોપીઓ ઝડપાઈ ગયા છે અને આ કામગીરીમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ડીવાયએસપી એચપી દોશી તેમજ વઢવાણના પીએસઆઇ ધર્મેન્દ્રસિંહ ચુડાસમા સહિતની ટીમે હત્યાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલ કરી અને ત્રણ આરોપીઓને ઝડપી પાડી અને જેલ હવાલે કરવા માટેની તજવીજ હાથ ધરી છે