સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપ્યાની ફરીયાદ
અબતક, શબનમ ચૌહાણસુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં રહેતી એક યુવતીની 2 વર્ષ પહેલા એક યુવક સાથે સગાઈની વાત ચાલી હતી.આથી જે-તે સમયે બન્ને સાથે હર્યા-ફર્યા હતા. જો કે કોઈ કારણોસર સગાઈ થઈ ન હતી અને છેલ્લા થોડા સમયથી યુવતી પાછળ પડી જઈ યુવકે લગ્નનું દબાણ કરવાનું શરૂ કર્યુ હતુ. જેમાં શિવરાત્રીના દિવસે યુવકે યુવતી સાથેનો અગાઉનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર મૂકતા યુવતીને લાગી આવતા એરંડામાં નાંખવાની ઝેરી દવા પી લઈ મોતને વહાલુ કર્યુ છે. પોલીસે યુવક સામે મરવા માટે મજબુર કર્યાનો ગુનો દાખલ કરી તપાસ આરંભી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, સુરેન્દ્રનગર દૂધરેજ ફાટક બહાર રહેતી 22 વર્ષીય છાયાબેન રૂદાતલાની સગાઈની વાત આજથી બે વર્ષ પહેલા તેમના ઘર પાસે જ રહેતા ભરત ત્રિભોવનભાઈ સાથે ચાલતી હતી. આથી જે-તે સમયે બન્ને સાથે હર્યા ફર્યા હતા. જો કે કોઈ કારણોસર બન્નેની સગાઈ થઈ શકી ન હતી. જે બાદ ભરતના પણ અન્ય યુવતી સાથે લગ્ન થયા બાદ છૂટાછેડા થઈ ગયા હતા.
આથી છેલ્લા 6 માસથી છાયા ઘરેથી શાકભાજી કે દૂધ લેવા ઘરની નીકળે, ત્યારે ભરત તેની પાછળ પાછળ જતો અને મારી સાથે લગ્ન કરી લે, નહી કરે તો તને જાનથી મારી નાંખીશ તેમ કહી ગાળો આપતો હતો.
શિવરાત્રીના રોજ રાતના સમયે પણ છાયા પોતાના ભાઈના મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામ જોતી હતી, ત્યારે ભરતે તેની સાથેનો વીડિયો મોબાઈલમાં અપલોડ કરેલો જોયો હતો. આથી છાયાને લાગી આવતા ઘરમાં રહેલ એરંડામાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. આથી તેને સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી.
જ્યારે સારવાર દરમિયાન જ છાયાએ ભરત સામે છેડતીની અને જાનથી મારી નાંખવાની ધમકીની ફરીયાદ એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવી હતી. જયારે સારવાર કારગત ન નીવડતા બુધવારે સવારે તેનું મોત થયુ હતુ. મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે શહેરની ગાંધી હોસ્પિટલ લઈ જવાઈ હતી. હાલ પોલીસે આ ફરિયાદમાં છાયાને મરવા મજબૂર કર્યાની કલમ ભરત સામે ઉમેરી તેની ધરપકડ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.છાયાની બહેન રેખાબેન અને તેના બનેવી બાબુભાઈ મૂળી તાલુકાના ખાખરાળા ગામે જમીન ભાગવી રાખી ખેતી કરે છે. છેલ્લા 15 દિવસથી છાયા ખાખરાળા હતી, ત્યારે બે દિવસ પહેલા જ ભરતે બાબુભાઈને ફોન કરી કહ્યું કે, છાયાને મારે ત્યાં મૂકી જજો, નહીતર હું ત્યાં આવુ છુ.
મહાશિવરાત્રીનો તહેવાર હોઈ ખાખરાળા બેન-બનેવીને ત્યાં ગયેલી છાયા સુરેન્દ્રનગર આવી હતી અને કામ કરતા કરતા તે તેના ભાઈ પ્રકાશભાઈના મોબાઈલમાં ઈન્સ્ટાગ્રામ જોતી હતી. આ દરમિયાન ભરતે મૂકેલો તેણીની સાથેનો વીડિયો જોયો હતો અને તેને લાગી આવતા રસોડામાં પડેલી એરંડામાં નાંખવાની દવા ગટગટાવી લીધી હતી.