સુરેન્દ્રનગરના ૮૦ ફૂટ રોડ પર રહેતા પરિવારના માથે આભ તૂટી પડ્યું લગ્નને ૪ વર્ષ થયાં હતા
સુરેન્દ્રનગરના ૮૦ ફૂટ રોડ પર રહેતા પરિવારની પુત્રવધુ અને ૨ વર્ષની પુત્રીનું ચમારજ રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે મોત થયું છે. આ બનાવની પોલીસ મથકે જાણ થતા પોલીસે બન્નેના મૃતદેહના પીએમ કરાવી પરિવારને સોંપ્યા છે. મૃતક પરિણીતાનો લગ્નગાળો ૪ વર્ષ હોય મોતનું સાચુ કારણ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
લીંબડીમાં રહેતા પરિવારની પુત્રી મીરાબેનના લગ્ન ૪ વર્ષ પહેલા સુરેન્દ્રનગરના ૮૦ ફૂટ રોડ પર રામદેવનગરમાં રહેતા સિદ્ધરાજભાઇ સભાડ સાથે થયા હતા. લગ્નગાળા દરમિયાન તેઓને જ્હાન્વી નામે દિકરી પણ અવતરી હતી. ત્યારે મંગળવારે બપોરે માતા મીરાબેન અને પુત્રી જ્હાન્વીનું સુરેન્દ્રનગરથી ચમારજ જતાં રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે મોત થયું હતું. ત્યારબાદ પસાર થતી ટ્રેનના ડ્રાઇવરે રેલવે પોલીસને જાણ કરી હતી. પરંતુ બનાવ એ ડિવીઝન પોલીસ મથકની હદમાં આવતો હોઇ એ ડીવીઝન સ્ટાફે ધસી જઇ લાશનું પીએમ ગાંધી હોસ્પિટલ કરાવ્યું હતું. બીજી તરફ દળણુ દળાવવા નીકળેલ માતા–પુત્રી ઘેર ન આવતા પરિવાર હાંફળો ફાંફળો થઇ તપાસ કરવા લાગ્યો હતો.
જેમાં અકસ્માતે માતા–પુત્રીનું મોત થયુ હોવાથી ગાંધી હોસ્પિટલમાં લાશ પડી હોવાની જાણ થતા તુરંત ત્યાં ધસી જતા જોયુ તો મૃતક મીરાબેન અને જ્હાન્વી હતા. બનાવની વધુ તપાસ પીઆઇ કે.એફ.જોગલ ચલાવી રહ્યા છે.