જિલ્લાના સર્વાંગી વિકાસ માટે અંદાજીત રૂપિયા ૧૫૪૬ લાખના ૪૮૧ વિકાસ કામો મંજૂર

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ તથા સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજના અંતર્ગત ૨૦૧૯-૨૦ના વર્ષ માટે રજૂ કરવામાં આવેલ અંદાજીત રૂપિયા ૧૫૪૬.૪૦ લાખના ૪૮૧ વિકાસ કામોના આયોજનને મંજૂર કરવામાં આવ્યું હતું. પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આ બેઠકમાં ઉપસ્થિત અધિકારી  પદાધિકારીશ્રીઓને આયોજન મંડળમાં રજુ થતાં લોક સુખાકારી માટેના કામો પૈકી ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણી, આરોગ્ય, શિક્ષણ અને ગટર જેવા સ્થાનિક અગત્યતા ધરાવતા કામોને અગ્રિમતા આપવા જણાવ્યું હતુ.

તેમણે પ્રત્યેક ગામોમાં સ્થાનિક કક્ષાએ પ્રાથમિક્તા ધરાવતા લોક સુવિધાના હાથ ધરાયેલા કામો ઝડપથી પૂર્ણ કરવા તથા આયોજન મંડળમાં મંજૂર થયેલા કામોના પ્લાન એસ્ટીમેન્ટ સત્વરે રજૂ કરી આ મંજૂર કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી એન.જી. પટેલે ૨૦૧૯-૨૦ના વર્ષનું વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઈઓનું આયોજન જિલ્લા આયોજન મંડળમાં રજૂ કર્યું હતું.

જિલ્લા આયોજન મંડળની આ બેઠકમાં સાંસદ ર્ડા.મહેન્દ્રભાઇ મુંજપરા, ધારાસભ્યો ધનજીભાઇ પટેલ, સોમાભાઇ પટેલ, ઋત્વિકભાઇ મકવાણા, નૌશાદભાઇ સોલંકી, જીલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ધોરીયા, જીલ્લા વિકાસ અધિકારી રાજેશકુમાર રાજયગુરૂ, જિલ્લાની નગરપાલિકાના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારીઓ તથા સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.